નવી દિલ્હી/મુંબઈઃ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા રોડ એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિક ડિસિપ્લિન જાળવવા માટે એક મહત્ત્વનો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. આ નવા ફેરફાર બાદ ડ્રાઇવિંગ લાયસન્સ માત્ર એક આઈડી પ્રૂફ નહીં પણ તમારા ડ્રાઇવિંગના રેકોર્ડના આધારે તમને ગ્રેડ આપનારું રિપોર્ટ કાર્ડ બની જશે. જો તમે નિયમોનું ઉલ્લંઘન કરશો, તો આ ગ્રેડ ઘટશે અને અમુક મર્યાદા બાદ તમારું લાઈસન્સ જાતે જ કેન્સલ થઈ જશે.
નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે એની વાત કરીએ તો આ સિસ્ટમ હેઠળ દરેક ડ્રાઇવિંગ લાઈસન્સધારકને ચોક્કસ પોઈન્ટ્સ અથવા ગ્રેડ આપવામાં આવશે. જ્યારે પણ તમે ટ્રાફિક નિયમ તોડશો જેમ કે સિગ્નલ જમ્પ કરવું, ઓવરસ્પીડિંગ કે હેલ્મેટ વગર ડ્રાઇવિંગ ત્યારે તમારા લાઈસન્સમાંથી પોઈન્ટ્સ કર થશે. આ બધી પ્રક્રિયા સેન્ટ્રલાઇઝડ ડેટાબેઝ દ્વારા ઓનલાઇન ટ્રેક કરવામાં આવશે.
ક્યારે થશે લાઈસન્સ કેન્સલ?
જો કોઈ વાહન ચાલકના પોઈન્ટ્સ સતત કપાતા રહે અને તે શૂન્ય પર પહોંચી જાય, તો તેનું લાયસન્સ ચોક્કસ સમયગાળા માટે સસ્પેન્ડ અથવા કાયમી ધોરણે કેન્સલ કરવામાં આવશે. દારૂ પીને ગાડી ચલાવવી કે જીવલેણ અકસ્માત કરવા જેવા ગંભીર ગુનાઓમાં લાઈસન્સ તરત જ રદ કરવાની જોગવાઈ પણ આ નિયમમાં સામેલ છે.
સારા ગ્રેડ ધરાવનારા વાહનચાલકોને શું થશે લાભ?
જેમની પાસે 'A' ગ્રેડ અથવા ફૂલ પોઈન્ટ્સ હશે, તેમને સરકાર તરફથી પ્રોત્સાહન મળી શકે છે Dvs સારા ગ્રેડ ધરાવતા ચાલકોને તેમના વાહન વીમા (Vehicle Insurance)ના પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળી શકે છે. સારા રેકોર્ડ ધરાવતા લોકોને લાયસન્સ રિન્યુઅલ પ્રક્રિયામાં પ્રાધાન્ય અને સરળતા રહેશે.
વાત કરીએ આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો તો ભારતમાં રોડ એક્સિડન્ટનું પ્રમાણ દુનિયામાં સૌથી વધુ જોવા મળે છે. આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ ડ્રાઇવરોમાં ડર અને જવાબદારી બંને પેદા કરવાનો છે. વિદેશોમાં (જેમ કે અમેરિકા અને યુરોપમાં) આ 'ડીમેરિટ પોઈન્ટ સિસ્ટમ' પહેલેથી જ અમલમાં છે અને તેનાથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...