Tue Jun 23 2026

Logo

સાવધાન! માથેરાન જતાં પહેલાં આ સમાચાર વાંચી લેજો, નેરલ-માથેરાન રોડ બન્યો ખતરનાક

2026-06-23 19:31:32
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ જો તમે પ્રકૃતિનો આનંદ માણવા માટે માથેરાન જવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. નેરલ-માથેરાન ઘાટ રોડ,જે માથેરાનને જોડતો એકમાત્ર રસ્તો છે તેના પર મુસાફરી કરવી એ હાલમાં યમરાજને આમંત્રણ આપવા સમાન છે. પરિણામે, આ રસ્તા પર મુસાફરી કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. જાહેર બાંધકામ વિભાગની ઘોર બેદરકારીને કારણે, આ પર્વતીય ઘાટમાં પ્રખ્યાત અને મુશ્કેલ  'એસ-ટર્ન' મુસાફરો માટે મૃત્યુનું કારણ બની ગયો છે.

પર્વતીય ઘાટની મધ્યમાં જુમ્મા પટ્ટી પર સ્થિત 'એસ-ટર્ન' તીવ્ર ઢોળાવવાળો અને મુશ્કેલ વળાંક છે. વાહનો નિયંત્રણ ગુમાવી ન દે અને નીચે ખીણમાં પડી ન જાય તે માટે આ ખતરનાક વળાંક પર લોખંડની સલામતી રેલિંગ બેસાડવામાં આવી હતી. 

જો કે, હાલમાં તે ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે, અને તેની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે. લોખંડની સલામતી રેલિંગ તૂટી ગઈ છે, જેના કારણે ખીણ તરફનો ભાગ સંપૂર્ણપણે ખુલ્લો પડી ગયો છે. જેના કારણે વાહનને સીધું ખીણમાં પડવાથી બચાવવા માટે કંઈ બચ્યું નથી.  

સરકાર માથેરાન ઘાટ રસ્તાની સલામતી અને સમારકામ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ભંડોળ મંજૂર કરે છે. પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓ હવે ગુસ્સે થઈને પ્રશ્ન પૂછી રહ્યા છે: આ પૈસા કોના ખિસ્સામાં ગયા? હાલમાં, સમગ્ર ઘાટમાં ખાડા પડી ગયા છે અને રસ્તાઓ બિસ્માર  હાલતમાં છે. જેના કારણે અકસ્માતો થાય છે." 

જ્યારે કોઈ મોટી દુર્ઘટનામાં પ્રવાસીઓ કે સ્થાનિક લોકોના જીવ જશે શું જાહેર બાંધકામ વિભાગ ત્યારે જ જાગશે?" માથેરાનના નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ મુશ્કેલ રસ્તાને પહોળો કરવા, તેના ઢાળને ઘટાડવા અને તાત્કાલિક મજબૂત સલામતી દિવાલ બનાવવાની માંગણીઓ જોર પકડી રહી છે.

ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, જો આ ઘાટ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો માથેરાનના સ્થાનિક રહેવાસીઓ વહીવટીતંત્ર સામે ઉગ્ર વિરોધ દર્શાવવા માટે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ એટલી ભયાનક છે કે આ રસ્તા પરથી મુસાફરી કરતા વ્યક્તિએ પોતાની કાળજી પોતે જ લેવી પડે એમ છે.