Thu Jun 18 2026

Logo

NEET UG 2026: ડોક્ટર બનવાનું સપનું જોનારા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો...

2026-03-05 14:06:00
Author: Darshana Visaria
Article Image

મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓ માટે અત્યારે સૌથી મહત્વનો સમય ચાલી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG 2026) માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. જો તમે હજુ સુધી અરજી નથી કરી, તો હવે થોડું પણ ડીલે કરવું તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાલો જાણીએ રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ અને પરીક્ષાની તૈયારી સાથે જોડાયેલી નાની નાની પણ મહત્ત્વની બાબતો વિશે... 

સૌથી પહેલાં તો વાત કરીએ રજિસ્ટ્રેશન વિશે તો તમને જણાવી દેવાનું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર ઓનલાઇન એપ્લાય કરવાની લિંક ઉપલબ્ધ છે. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની કે ટેકનિકલ સમસ્યાઓની ઉદ્ભવે એવી શક્યતાને ધ્યાનમાં લઈને સમયસર અને થોડું માર્જિન રાખીને પહેલાંથી જ ફોર્મ ભરી દેવું વધારે હિતાવહ છે. 

અરજી ક્યાં કરવી એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ ફોર્મ ભરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા વિશે. ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ન્યુ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજિસ્ટર કરી લો. એપ્લિકેશન નંબર જનરેટ થયા પછી, તમામ શૈક્ષણિક અને પર્સનલ ઈન્ફોર્મેશન એકદમ ધ્યાનથી ભરો. પાસપોર્ટ સાઈઝનો ફોટો, સહી, ડાબા અને જમણા હાથના અંગૂઠાની છાપ અને જરૂરી સર્ટિફિકેટ્સ સ્કેન કરીને અપલોડ કરો. નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઇન ફી ભરીને ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન પેજની પ્રિન્ટ આઉટ લેવાનું ભૂલશો નહીં.

કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખશો?
લેટેસ્ટ પાસપોર્ટ અને પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો (સફેદ બેકગ્રાઉન્ડ સાથે).
10મી અને 12મીની માર્કશીટ.
આધાર કાર્ડ અથવા અન્ય આઈડી પ્રૂફ
કેટેગરી સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો).

ભૂલ થઈ ગઈ તો આટલું ધ્યાન રાખો
હવે બની શકે કે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો શું કરવું? તો એના માટે ફોર્મ ભરતી વખતે જો કોઈ નાની ભૂલ રહી ગઈ હોય, તો ગભરાવાની જરૂર નથી. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી NTA 'કરેક્શન વિન્ડો' ખોલશે, જેમાં તમે ચોક્કસ વિગતો સુધારી શકશો. જોકે, નામ, ઈમેલ અને મોબાઈલ નંબર જેવી મહત્ત્વની અને મૂળભૂત ડિટેઈલ્સ બદલી શકાતી નથી.

પરીક્ષાનું માળખું અને તૈયારી
NEET UG માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી (બોટની અને ઝૂલોજી) વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. કુલ 720 માર્ક્સની આ પરીક્ષા માટે NCERTના પુસ્તકોને મેઈન સોર્સ હોવાનું માનવામાં આવે છે.