(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (એનઈઈટી)નું પેપર ફરી એક વાર ફૂટી ગયું હતું. ફરી એક વાર આ પરીક્ષા રદ થતાં પરીક્ષા આપનારા 23 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભો થયો હતો. આ મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પધારેલા કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વાર વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદ ખાતે ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જેની જાણ એનએસયુઆઈને થઈ જતાં તેઓ સક્રિય થઈ ગયા હતા અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનનો આકરો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે શિક્ષણ પ્રધાનનો કાફલો આઈઆઈએમના ગેટની બહાર નીકળ્યો ત્યારે એનએસયુઆઈના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત એનએસયુઆઈ ગુજરાત શિક્ષણ પ્રધાનનું પૂતળું બાળવામાં આવ્યું હતું અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને નબળી વ્યવસ્થા સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે તાત્કાલિક એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
