Tue Sep 01 2026

Logo

અમદાવાદના નયન જૈને સૌથી અઘરી નોર્થકેપ 4000 ચેલેન્જ પૂરી કરી રેકોર્ડ બનાવ્યો, 19 દિવસમાં 4012 કિમી કાપ્યા

2026-08-29 09:32:00
Author: Mayur Patel
અમદાવાદના નયન જૈને સૌથી અઘરી નોર્થકેપ 4000 ચેલેન્જ પૂરી કરી રેકોર્ડ બનાવ્યો, 19 દિવસમાં 4012 કિમી કાપ્યા

અમદાવાદઃ અમદાવાદના નયન જૈને સૌથી અઘરી નોર્થકેપ 4000 ચેલેન્જ પૂરી કરી રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 19 દિવસમાં 4012 કિમી અંતર કાપ્યું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદના 44 વર્ષીય વેપારી અને સાયકલિસ્ટ નયન જૈને વિશ્વની સૌથી અઘરી ગણાતી ‘નોર્થ કેપ 4000’ સાયકલિંગ ચેલેન્જ પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ આ સિદ્ધિ મેળવનારા અમદાવાદના પહેલા સાયકલિસ્ટ બન્યા હતો.

તેમણે 25 જુલાઈ 2026ના રોજ ઇટલીથી સાયકલિંગ શરૂ કર્યું હતું અને નોર્વે સુધીનું 4,012 કિલોમીટરનું અંતર માત્ર 19 દિવસમાં પૂરું કર્યું હતું. આ યાત્રા તેમણે કોઈ પણ મદદ કે સપોર્ટ ટીમ વગર એકલા હાથે પૂરી કરી હતી. શુદ્ધ શાકાહારી હોવાથી ખાવાની મુશ્કેલીઓ વચ્ચે પણ 8-10 કિલો સામાન સાથે તેઓ રોજ 12 થી 14 કલાક સાયકલ ચલાવતા હતા.

 નયન જૈને 38 ડિગ્રીની આકરી ગરમીથી માંડીને 3 ડિગ્રીની કાતિલ ઠંડી, ભારે પવન અને કરા સાથેના વરસાદનો સામનો કર્યો હતો. આખી સફરમાં તેમણે કુલ 36,000 મીટરથી વધુનું ચઢાણ પાર કર્યું હતું. જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં 4 ગણું વધારે છે.

નયન જૈને 13 ઓગસ્ટે નિર્ધારિત સમય કરતાં વહેલા નોર્વે પહોંચીને તિરંગો લહેરાવ્યો હતો અને આ ઐતિહાસિક સફર દેશ તથા પોતાના પરિવારને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ મુશ્કેલ સફરે તેમને શીખવ્યું કે ઉંમર માત્ર એક આંકડો છે અને ખરી સફળતા મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાંત રહીને આગળ વધવામાં છે.