થાણે: નવી મુંબઈમાં અજાણ્યા મોટરસાઇકલસવારે બે જણ પર ગોળીબાર કર્યો હતો, જેમાં યુવકને ઇજા પહોંચી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં છત્રપતિ શિવાજી રહેવાસી ચાલમાં સોમવારે રાતે 11.50 વાગ્યે આ ઘટના બની હતી.રબાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે રાતે અજાણ્યો શખસ મોટરસાઇકલ પર આવ્યો હતો અને તેણે અમિત મૌર્ય તથા સંદીપ ગવસ પર ગોળીબાર કર્યો હતો.
સિનિયર ઇન્સ્પેક્ટર બાળકૃષ્ણ સાવંતે કહ્યું હતું કે સંદીપ ગવસ બચી ગયો હતો, જ્યારે અમિતના ગળામાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો.અમિતને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને બાદમાં તેને મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
દરમિયાન બનાવની જાણ થતાં રબાળે પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં અજાણ્યો શખસ મોટરસાઇકલ પર આવતો અને ગોળીબાર કર્યા બાદ ત્યાંથી ફરાર થતો નજરે પડ્યો હતો. પોલીસે આ પ્રકરણે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી. (પીટીઆઇ)