મુંબઈઃ પાલઘર જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) કવાયતમાં 60 ટકા મતદારોનું મેપિંગ નોંધાયું છે, જેમાં વિક્રમગઢ વિધાનસભા બેઠક યાદીમાં ટોચ પર છે અને નાલાસોપારામાં સાથે સૌથી ઓછું નોંધાયું છે.
જિલ્લા કલેક્ટર ડૉ. ઇન્દુ રાણી જાખરના નેતૃત્વ હેઠળ, બૂથ લેવલ ઓફિસરોએ છ વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 23,92,606 મતદારોમાંથી 14,18,402 મતદારોનું મેપિંગ કર્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં સારું પ્રદર્શન થયું છે જેમાં વિક્રમગઢ 87.78 ટકા સાથે ટોચ પર છે.
ત્યાર બાદ દહાણુ 85.60 ટકા અને પાલઘર 80.77 ટકા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં મેપિંગ હજુ પણ પાછળ છે. વસઈમાં મેપિંગ 50.49 ટકા અને બોઇસરમાં 45.2 ટકા રહ્યું છે, જ્યારે નાલાસોપારામાં સૌથી ઓછું 37.72 ટકા નોંધાયું છે.
નબળી કામગીરી સામે કડક વલણ અપનાવતા, જિલ્લા વહીવટીતંત્રે ભૂલ કરનારા 141 કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. નાલાસોપારા મતવિસ્તારના પાંચ બીએલઓને લક્ષ્યાંકો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મતદાર-કેન્દ્રિત અભિગમ પર પ્રકાશ પાડતા જાખરે નોંધ્યું કે ચૂંટણી પંચની 'બુક અ કોલ વિથ બીએલઓ' સેવા વહીવટ અને જનતા વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ડેટા મુજબ જિલ્લામાં મતદાર સેવા પોર્ટલ અને ઇસીઆઈનેટ એપ દ્વારા 5,344 કોલમાંથી 4,000થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
પીટીઆઈ