માવજી મહેશ્વરી
સોનલના હોઠ અજીબ રીતે ભીડાયેલા હતા. તેણે ફરી એજ અદામાં કહ્યું, મને લાગે છે અત્યારે તમે ઈમોશનલી હાથ લાંબો કર્યો છે. બરોબર વિચારી લેજો. હું કોઈ ચીલાચાલુ છોકરી નથી!
એકધારી ભાગતી ટ્રેન અચાનક ધીમી પડી અને ઊભી રહી ગઈ. સનતને થયું, ભલે ટ્રેન ઊભી રહે, આ રોમાંચક સમય પસાર જ ન થાય. છોકરીની આંખમાં ચિંતા દેખાઈ. તેણે કહ્યું, ‘ટ્રેન કેમ ઊભી રહી ગઈ હશે?’
‘ખબર નહીં, પણ હવે તમારું નામ તો કહો. નહીંતર એકબીજાનું નામ જાણીએ તે પહેલા જ સવાર પડી જશે.’
‘બહુ ઉતાવળા છો. હમણાં હજુ તો તતફફ થતા હતા. પહેલા તમારું નામ કહો.’
‘સાચું કહું તો તમે ગુજરાતી છો એ જાણીને હિંમત આવી ગઈ. બાય ધ વે મારું નામ સનત ચૌહાણ છે.’
‘અચ્છા એમ છે? તમને થયું ચલો આ તો આપણાવાળી છે. સાચું કહેજો હોં એવું જ થયું ને?’
સનતના હોઠ સિવાઈ ગયા. એને થયું આ બહુ ચબરાક છે. આવી છોકરી કોઈ અજાણ્યા યુવાન પર વિશ્વાસ મૂકે એ જરા વધુ પડતું છે. સનતે આંખ ઝીણી કરતા કહ્યું, ‘ના એવું નથી પણ સરખી ભાષાવાળા જ્યારે જુદા પ્રદેશમાં મળે છે ત્યારે તેમના વચ્ચે જલ્દી આત્મિયતા બંધાઈ જાય છે.’
‘તમને એવો વિચાર કેમ નથી આવતો કે, કોઈ છોકરી કશા જ પરિચય વગર આટલી વાતો ન કરે. તમને મારો ડર નથી લાગતો?’
‘લાગે છે ને, તમારી આંખોનો ડર લાગે છે.’
‘તમે ભાવુક છો, હોશિયાર છો, પણ ચતુર નથી. મારા વિશે જાણશો તો દૂર રહેવાનું જ પસંદ કરશો.’
‘બધી જ ખૂબસૂરત છોકરીઓ ખતરનાક જ હોય છે એવું મેં વાંચ્યું છે. મને લાગ્યું કદાચ તમે સુસાઈડ કરવા તો નથી ઊભા ને.’
‘સુસાઈડ? મારા કારણે કોઈ સુસાઈડ કરી નાખે તે જુદી વાત છે, પણ હું મારી ખૂબસૂરત જિંદગી હરગીજ ન વેડફું. આઈ એમ સોનલ. સોનલ ઝવેરી.’
‘વાહ, એક તો સોનલ અને પાછા ઝવેરી.’
‘કવિતા સૂઝે છે? આર્ટસનું ભણ્યા લાગો છો.’
‘તમને જોઈને તો કોઈને પણ કવિતા કરવાનું સૂઝે. હું તો તદ્દન મશીનોનો માણસ છું અને મશીનને ભણ્યો છું. હું મેકેનીકલ ઈંજિનિયર છું અને એ સંબંધે જ દિલ્હી જઈ રહ્યો છું. મારી કંપનીએ મને એક સેમીનારમાં ભાગ લેવા માટે દિલ્હી મોકલ્યો છે.’
‘ઓહ! વેરી નાઈસ, કેટલા લોકો છો અને કેટલા દિવસ રોકાવાના છો?’
‘મારી સાથે કોઈ જ નથી. હું એકલો જ છું. પરમ દિવસે બપોર સુધી રોકાવાનો છું. કદાચ તમે પણ દિલ્હી જઈ રહ્યા છો.’
‘હું કેવા સંજોગોમાં મુસાફરી કરી રહી છું તે જાણશો તો ચોંકી જશો. તમને અંદાજ પણ નહીં હોય કે મારી મુશ્કેલી શી છે.’
સનતે જરા ભાવુક થઈને કહ્યું, ‘મીસ સોનલ આઈ નો ઈટસ યોર પર્સનલ મેટર, બટ આઈ વોન્ટ ટુ નો અબાઉટ યુ. વોટ્સ પ્રોબ્લેમ? ઇફ યુ ડોન્ટ માઈન્ડ.’
સોનલે નજર ચોરી લીધી. કશુંક યાદ ન કરવા જેવું યાદ આવી ગયું હોય એવું લાગ્યું. તે ધીમા સ્વરે બોલી, ‘પહેલા પ્રોમીસ કરો કે હું જે કંઈ કહું તેના પર વિશ્વાસ કરશો. બીજું એક ફ્રેન્ડ તરીકે તમે મને મદદ કરશો. બોલો થશે તમારાથી? જોકે કોઈ ફોર્સ નથી.’
સનતના રુંવાડાં ઊભા થઈ ગયાં. અત્યાર સુધી કોઈ છોકરીએ કદી સામેથી મિત્રતા બાંધી નહોતી. અનાયાસે તેનાથી હાથ લાંબો થઈ ગયો. પણ સોનલે તેના હાથમાં હાથ ન મૂક્યો એટલે તે છોભીલો પડી ગયો. સોનલના હોઠ અજીબ રીતે ભીડાયેલા હતા. તેણે ફરી એજ અદામાં કહ્યું, ‘મને લાગે છે અત્યારે તમે ઈમોશનલી હાથ લાંબો કર્યો છે. બરોબર વિચારી લેજો. હું કોઈ ચીલાચાલુ છોકરી નથી’
‘મીસ સોનલ તમને નથી લાગતું કે તમે મને ઓછો આંકી રહ્યા છો? જો તમને મારા પર વિશ્વાસ હોય તો તમારો હાથ લંબાવો. થોડીવારની આપણી મુલાકાતમાં એટલું તો હુંય સમજ્યો છું કે તમે અસામાન્ય છો. ભલે હું ડરીને ચાલનારો હોઉં, પણ સાવ એવુંય નથી કે કોઈ મારી મદદ માગે અને પાછો પડું.’
સોનલના હોઠ પર જુદા પ્રકારનું સ્માઈલ આવ્યું. તેણે સનતના હાથમાં પોતાનો હાથ મૂક્યો. સનતને લાગ્યું કે સોનલના હાથમાં અજીબ કિસમની ઉષ્મા છે. તેણે સોનલ સામે જોઈ રહેતા પૂછ્યું. ‘હવે તો તમને ખાતરી થઈ કે, તમારી વાત સાંભળવાને લાયક છું.’
‘યેસ્સ, તમે બહુ જ સાફ દિલ ઈન્સાન છો.’
‘થેન્કસ. પણ આપણે આમ ક્યાં સુધી ઊભા રહી ને વાતો કરશું?’
‘ઉતાવળ ન કરો. પહેલી વાત તો એ કે મારી પાસે અત્યારે ટિકિટ નથી.’
‘પણ તમારે જવાનું ક્યાં છે? અને ટિકિટ વગર શા માટે નીકળવું પડ્યું?’
સોનલ જરા ઉદાસ થઈને બોલી, ‘કોઈ મંઝીલ હોત તો ટિકિટ લેત ને? ચોંકશો નહીં હું ભાગી નીકળી છું. મને ખાતરી છે કે મારી તપાસ શરૂ થઈ ગઈ હશે. હું સામાન્ય ઘરની છોકરી નથી. કરોડોપતિ શબ્દ મારા માટે બહુ નાનો છે. મારી ઝવેરી અટક અમસ્તી નથી સનત.’
‘હં, થોડું સમજાયું, બાકીનું સમજાઈ જશે. પણ ઘર છોડીને ભાગી નીકળવાનું કોઈ કારણ તો હશે ને?’
બહુ લાંબી વાત છે. પૂરી વાત સમજવા માટે તમને મારી આખી ફેમિલીની હિસ્ટરી કહેવી પડે એમ છે. મારો પરિવાર જેટલો અમીર છે એટલો જ વિચિત્રતાઓથી ભરેલો છે. એ બધું કહેવા માટે ઘણો સમય જોઈએ. મારા ભાગી નીકળવા સાથે એવા કેટલાય કેટલાય રેફરેન્સ જોડાયેલા છે જે તમારા માટે સમજવા મુશ્કેલ છે.’
‘જોકે મને જાણવામાં રસ નથી એમ કહી ને ખોટું નહીં બોલું. તમને જેટલું જરૂરી જણાય એટલું જ કહો. પણ બધું કહેશો તો મને વધુ ગમશે.’
‘સમય મળશે તો બધું જ કહીશ. અત્યારે એટલું જાણી લો કે મારા માટે આવનારા બે દિવસ બહુ જ અગત્યના છે. તમારે મને બે દિવસ સાચવવી પડશે. બોલો મને બે દિવસ તમારી સાથે રાખશો?’
જે સાંભળીને કોઈ યુવાન રોમાંચિત થઈ ઊઠે તે વાત સાંભળી સનત બે ઘડી ધ્રૂજી ગયો. એક બેહદ હસીન છોકરી સામેથી કહેતી હતી કે હું તારી સાથે બે દિવસ રહેવા માગું છું. તેમ છતાં સનત ચૂપ થઈ ગયો. પોતાની અસ્વસ્થતા કળાઈ ન જાય તે માટે તે ખોટું હસ્યો અને સાવ જુદી જ વાત કરી, ‘કેટલી અજીબ વાત છે નહીં? કોઈ ખૂબસૂરત છોકરી સાવ અજાણ્યા યુવાન સાથે બે દિવસ રહેવાની ઓફર કરી રહી છે. મને સમજાતું નથી કે મારે રાજી થવું કે ન થવું.’
‘હું સમજી ગઈ છું તમારા મનમાં શું ચાલતું હશે, જસ્ટ અ મિનિટ’ કહીને સોનલ નમીને તેના પગ પાસે પડેલી પીળા રંગની બેગનું સાઈડ ફોલ્ડર ખોલી કેટલીક વસ્તુઓ કાઢીને સનતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું કોણ છું તેના આ બે પુરાવા છે. આ મારો ઓરિજિનલ પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાઈસેન્સ.’
આછા પ્રકાશમાં પણ પાસપોર્ટમાં લખેલું સોનલ મોહનલાલ ઝવેરી ચોખ્ખું વંચાતું હતું સનતે જરા ક્ષોભ સાથે કહ્યું, ‘પ્લીઝ મને વધુ શરમીંદો ન કરો. પણ તમે મને કહો કે હું તમને કઈ રીતે મદદ કરી શકું?’
‘મને એવી જગ્યા જોઈએ કે બે દિવસ કોઈ મને શોધી ન શકે. પછી હું ફોડી લઈશ. તમે કંપની તરફથી જાઓ છો એટલે તમારી રહેવાની વ્યવસ્થા કંપનીએ જ કરી હશે ને? તમે મને તમારી સાથે લઈ જઈ શકો?’
સનતને વિચારમાં પડી ગયેલો જોઈ સોનલે કહ્યું, ‘શું વિચારો છો? જો તમારી જોબને કોઈ અસર થતી હોય તો પ્લીઝ કશું ન કરશો.’
‘ના, એવું નથી વિચારતો પણ મને એ ખબર નથી કે એ લોકો વધારાના વ્યક્તિને એલાઉડ કરશે કે નહીં? આપણે બેય ત્યાં જઈએ તો તમારી ઓળખાણ શું આપવી?’
‘ફીયાન્સી, વાઈફ. તમને જે ઠીક લાગે તે કહી દેજો.’
‘વ્હોટ?’ સનતની આંખો પહોળી થઈ ગઈ.
‘કેમ આઘાત લાગ્યો? મને નથી લાગતું કે તમે પરણેલા હો, જો પરણેલા હો અને થોડું ખોટું બોલશો તો આભ નહીં ફાટી પડે.’
સનત ચૂપ થઈ ગયો. ખરેખર તો તેનું હૈયું આનંદથી નાચી ઊઠવું જઈતું હતું. તેના બદલે તે ખામોશ થઈ ગયો. સોનલે તેનો હાથ પકડતા કહ્યું, ‘ડર લાગે છે?’
‘ડર નથી લાગતો. ચિંતા થાય છે. માની લ્યો કે એમણે તમને એલાઉડ ન કર્યા તો?’
‘એ મારા પર છોડી દો. તમે મને સાથે લઈ જવા તૈયાર છો?’
‘ઓકે ડન, પણ આપણને એક જ રૂમમાં રહેવાનું થશે તો?’
‘મને વાંધો નથી.’
સનતને થયુ આ છોકરી કઈ માટીની બનેલી છે? એના પર એવી કઈ આફત તૂટી પડી છે કે તે અજાણ્યા યુવાન સાથે એક જ રૂમમાં રાત રોકાવાની હિંમત કરી રહી છે. પોતાની જિંદગી અત્યાર સુધી સીધી અને સપાટ જ ચાલી છે. કોઈ જોખમભર્યું કામ કરવાનું પણ નથી આવ્યું. કૂદી પડવા દે. જે થશે તે જોયું જશે. મમ્મીપપ્પા વારંવાર પરણી જવાનું કહ્યા કરે છે. કેટલીય છોકરીઓના ફોટો બતાવી ચૂક્યા છે. હજુ કોઈ પસંદ નથી પડી. આજે સમજાયું કે છોકરી આવી હોય. સનતના હોઠ પર એક તોફાની સ્મિત આવ્યું. તેણે કહ્યું. ‘એક વાત પૂછું સોનલ? તમને મારો ડર નથી લાગતો?’
‘ડર શેનો? મને પુરુષની આંખો ઓળખતા આવડે છે સનત, યોર હાર્ટ ઈઝ સો સ્વીટ એન્ડ આઈઝ આર નીટ એન્ડ ક્લીન. પ્લીઝ હેલ્પ મી, આઈ નેવર ફરગેટ યોર હેલ્પ એન્ડ યુ ઓલ્સો’ સોનલે સનતનો હાથ પકડીને જરા દાબ્યો.
‘ઓકે. ચાલો મારી બર્થ પર બેસીએ. ત્યાં વાતો કરશું.’
‘ના, મારે વાતો નથી કરવી. મને સૂઈ જવું છે. પ્લીઝ મને સૂવા દેજો. બે રાતથી ઊંઘ નથી કરી.’
‘તથાસ્તુ!’ સનતે નાટકીય રીતે કહ્યું.
બેય બર્થ પર આવ્યા. ટ્રેન ભાગતી હતી. દિલ્હી નજીક આવતું જતું હતું. (ક્રમશ:)