સુરતઃ શહેરમાં 18 ઇંચ વરસાદે શહેરને ઠપ્પ કરી દીધું છે. સ્કૂલ-કોલેજો, માર્કેટ સહિત બધું બંધ છે. લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. હવામાન વિભાગે આજે પણ સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે. જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે.
ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સૌથી વધુ વરસાદ વરાછા અને કતારગામ ઝોનમાં પડતા લોકોના ઘર અને દકાનમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારમાં કમરસમા પાણી હોવાને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વાહનો બંધ થઈ જવાને કારણે લોકો વાહનોને ધક્કા મારતા જોવા મળ્યા હતા. વરાછા માંથી પસાર થતી સિમાડા ખાડી અને ઉધના વિસ્તાર માંથી પસાર થતી ભેદવાદ ખાડી ઓવરફલો થવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. જેને પગલે મનપા દ્વારા 2280થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ભારે વરસાદને કારણે શહેરની કેટલીક સોસાયટી ટાપુમાં ફેરવાઈ ગઈ હતી. વરસાદને કારણે લોકો ઘરની બહાર પણ નિકળી શક્યા નહોતા. ઠેરઠેર પાણી ભરાવાના કોલ ફાયર બ્રિગેડમાં નોંધાતા મનપાનું તંત્ર દોડતું થયું હતું. પરંતુ વરસાદનું જોર એટલું બધ હતું કે વરસાદ સામે મનપાનું તંત્ર લાચાર બન્યું હતું.
મેઘરાજાએ રોદ્રસ્વરૂપ ધારણ કરતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. એકધારો વરસાદ પડવાને કારણે પાણીનો નિકાલ ઝડપથઈ શક્યો નહતો. જેને પગલે આખા શહેરમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો. કેટલાક વિસ્તારનાં એક થી બે ફુટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જયારે કેટલાક વિસ્તારોમાં કમરસમા પાણી જોવા મળ્યા હતા. કતારગામ, વરાછા, રાંદેર, વેડરોડ, સહારાદરવાજા, જહાંગીરપુરા, વેસુ અનેપુણા પાટિયા જેવા વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા હતા. અનેક વાહનો બંધ પડી જતાં લોકો રસ્તાની વચ્ચે લાચાર બનીને ઊભા રહી ગયા હતા. સરથાણા પોલીસે સ્થાનિક ટ્રેક્ટર તેમજ પીકઅપ વાહનોની વ્યવસ્થા કરી, ફસાયેલા નાગરિકોને તેમાં બેસાડીને સુરક્ષિત રીતે તેમના ઘર સુધીપહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.
સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાં ગળા સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવો પડ્યો હતો. સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરનાળાની આજુબાજુમાં આવેલી બેંકો અને અન્ય નાની-મોટી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓનો હજારો રૂપિયાનો માલસામાન પલળી ગયો હતો. લિબાયતમાં ખાડી કિનારે આવેલા વસાહતોમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા. જયારે રાંદેરના પાલનપુર પાટિયા ખાતે આવેલી સંતતુકારામ સહીત કેનાલની આસપાસ આવેલી નિચાણવાળી સોસાયટીમાં એક ફુટ જેટલું પાણી ભરાઈ જતા રહીશોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
વરાછા વિસ્તારમાં સૌથી વધુ વરસાદપડવાને કારણે વરાછા, સીમાડા, પુણા, અશ્વનિકુમાર રોડ સહીતના વિસ્તારો પણ અસરગ્રસ્ત રહ્યા હતા.મનપાના સરથાણા અને ઉધના ઝોનમાં પણ વરસાદનું પાણી ફરીવળ્યું હતું. સુરતમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. જોકે કેટલાક સુરતીલાલાઓએ આ સ્થિતિને મસ્તીમાં ફેરવી દીધી અને રોઈંગ બોટ લઈને રસ્તાઓ પર ફરવા નીકળ્યા હતા. મહિલાઓ પણ વરસાદી માહોલની મજા માણતી જોવા મળી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
સુરતને જોડતા 28 માર્ગો બંધ
સુરત શહેર અને જિલ્લામાં મંગળવારે પડેલા અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જિલ્લામાં અનેક રસ્તાઓ પાણીભરાઇ જવા તેમજ ખાડાપડવા સહિતની સમસ્યાના કારણે બંધ થતા લોકોએ લાંબો ચકરાવો મારવો પડયો હતો. વરસાદી પાણીના ભારે પ્રવાહ અને કેટલાક સ્થળોએ રસ્તા ધોવાઈ જવાના બનાવોને પગલે જિલ્લામાં કુલ 38 રસ્તાઓ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. સૌથી વધુ 15 રસ્તાઓ ઓલપાડ તાલુકામાં બંધ કરાયા હતા, જ્યારે પલસાણામાં 10, બારડોલીમાં 6, મહુવામાં 5 તેમજ અંબિકા અને અરેઠમાં એક-એક રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગ અને મકાન વિભાગની ટીમો દિવસભર મેદાનમાં રહી સતત મોનિટરિંગ કરતી હતી.