કિશોર વ્યાસ
ગુજરાતીમાં કહેવત છે કે, ‘જેનું ખાય તેનું જ ખોદે’ જેનું અનાજ ખાતા હોઇએ તેની જ બૂરાઇ કરવી. તો, એવા જ અર્થની એક ચોવક છે કચ્છીમાં ‘બાઇ બાડી, છાય કે જાડી’ કોઇનું ખાઇને તેની સામે ગેરવર્તન કરનાર માટે આ ચોવકમાં ‘બાઇ’ એટલે કે સ્ત્રી અને ‘છાય’ એટલે કે ‘છાસ’નો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં કટાક્ષ કે બૂરાઇ ‘બાડી’ શબ્દ દ્વારા વ્યક્ત થયો છે.
કોઇની શ્રવણ શક્તિ નબળી હોય, એ ઓછું સાંભળે તો આપણે કહેતા હોઇએ છીએં કે આ તો બહેરો છે. કચ્છીમાં કહેવાય છે કે ‘સાવ બોડો આય, હવે, બહેરા માણસને પૂછાય કંઇક અને એ જવાબ આપે કંઇક! ત્યારે તેવી વ્યક્તિ માટે એવી ચોવક છે કે, ‘બોડા બોડા જવાર ત ચેં કપાસિયાને ગુવાર!’
ઘણા લોકો કામચોર હોય છે. કામ કરવાની ક્ષમતા હોય. આવડત પણ હોય, પણ કામ ન કરવું હોય છતાં વગર કામ કર્યે ખાવા તો બરાબર જોઇએ. ખાવાના સમયની એ રાહ જ જોતા હોય છે. તેવા માણસો માટે ચોવક છે: ‘ભગલ મેં ભાની, કે બાઇ માની’ આમ તો ‘ભાની’ નો અર્થ થાય હજામની કોથળી, પણ એ શબ્દ અહીં કટાક્ષ યુક્ત વપરાય છે. ‘માની’ એટલો રોટલો. ટૂંકમાં ‘મને ખાવાનું આપ’ એવી માગણી તેને ભૂખ લાગે એટલે એ કરે !
કોઇ કાર્ય તો કર્યું હોય, નિષ્ઠાપૂર્વક કર્યું હોય પણ તેનું પરિણામ શું આવશે તેની કલ્પના ન થઇ શકે ત્યારે ગુજરાતીમાં આપણે જેમ કહીએ છીએં કે, ‘આ તો ભરેલું નાળિયેર છે’, મતલબ પરિણામનું કંઇ કહી ન શકાય. એ જ રીતે કચ્છીમાં કહેવાય છે કે ‘ભર્યો નાઇયર આય!’ આવી સ્થિતિમાં કલ્પના જ કરવાની રહે. ખરાબ કલ્પના કે ખોટી-નકારાત્મક કલ્પના શા માટે કરવી ? સરસ ચોવક છે: ‘મનના લડૂં, મોરા કેર ખાય?’ મતલબ કે કલ્પનામાં જ લાડુ ખાવાના હોય તો, શું કામ મોળા ખાવા! સરસ મજાના મીઠા જ ખાવા! જેમાં ઘી-ગોળ છૂટથી વપરાયા હોય! અર્થાત્ નકારાત્મકતા પૂર્વક નહીં વિચારવાનું કાર્યાર્થ સિદ્ધ થાય તેવા પ્રયાસો કરતા રહેવાના.
પોતાની લાયકાત કરતાં જયારે કંઇ પણ વધારે મળે ત્યારે મોટા ભાગે લોકો છકી જતા હોય છે. ચોવક છે : ‘ભૂખેં જી ઘી ભત મેં પિઇ. ઢીંગલા ડિસી ઢરી પિઇ’ અર્થ એવો થાય છે કે, ભૂખ્યા લોકોના ભાગનું ઘી જમણવાર (ભત) માં વપરાઇ જાય! અને જમણવાર ઢીંગલાવાળા જ (શ્રીમંત લોકો) કરે!
દરેક બાબતની એક મર્યાદા હોય છે. આપણે કહેતા હોઇએ છીએ કે, મર્યાદામાં બધું શોભે પણ એ વાત કચ્છી ચોવક આ રીતે તે વ્યક્ત કરે છે: ‘માક જે પાણીએં ઊંઝ ન વિંઝે’ મતલબ કે ઝાકળના પાણીથી તરસ ન છીપે, ઝાકળને પોતાની મર્યાદા હોય છે, એક ‘બિંદુ’ જેટલી જ!
જીવનના ક્રમ પર કટાક્ષ કરતી એક મસ્ત ચોવકનું સ્મરણ થાય છે. કહેવાય છે કે, ‘માડૂ ને ચિભડ પ્યો પ્યો વધે’ માણસની સરખામણી બહુ સુંદર રીતે ચિભડાં સાથે કરવામાં આવી છે! પોતાની લાંબી વેલમાંથી પોષણ મેળવતું ચિભડું એક જ જગ્યાએ પડયું પડયું પોતાનું કદ વધાર્યાં જ કરે, પછી ઉપયોગ બને! તેવું જ માણસનું છે, પડયા પડયા પણ વય તો વધતી જ જાય. મોટા ભાગના ઘર અને સમાજને ઉપયોગી થાય અને કેટલાક...!!
‘પાટઇ પવાલા ખોટા પ માપ પ ખોટા?’ સીધો અર્થ એ થાય છે કે, ‘નાના’ સાથે ‘મોટા’ની સરખામણી ન થઇ શકે! આ ચોવક પર ફરી એક નજર નાખો બે વખત માત્ર એક અક્ષર ‘પ’નો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ એકાક્ષરી કચ્છી ભાષા જ કમાલ છે! અહીં ‘પ’ ‘પણ’ ના અર્થમાં વપરાયો છે.