ભાટી એન.
જાંબુ જોઈ મને ગુલાબજાંબુ યાદ આવી ગયા, વિચાર્યું કે જાંબુ પરથી ગુલાબજાંબુ નામ પડ્યું હશે? તમે નીરખીને જોજો પહેલા જાંબુડું જોઈ પછી ગુલાબજાંબુ જોજો. કહેવાનો ભાવાર્થ એટલો કે કુદરતની અનમોલ ભેટ કેટલી સારી હોય છે, તે સ્વાદ, સ્વાસ્થ્ય અને પ્રકૃતિની અનોખી ભેટ છે. ચોમાસાની શરૂઆત સાથે જ બજારમાં દેખાતું જાંબુડું માત્ર સ્વાદિષ્ટ ફળ જ નહીં, પરંતુ પ્રકૃતિની અનમોલ ભેટ છે.
જાંબુડાનું ઝાડ વર્ષો સુધી લીલોતરી જાળવી રાખતું, ઘેરો છાંયો આપતું અને મજબૂત થડ ધરાવતું હોય છે. તેનાં પાન, છાલ અને બીજનો પણ પરંપરાગત રીતે વિવિધ ઉપયોગ કરવામાં આવે છે. પાકેલું જાંબુડું ખાટું-મીઠું, રસદાર અને જીભને તરત જ તાજગી આપનારું હોય છે. તેના ગાઢ જાંબલી-કાળા રંગ પાછળ એન્થોસાયનિન (Antchocyanin) નામના કુદરતી રંગદ્રવ્યો જવાબદાર હોય છે, જે શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ તરીકે પણ ઓળખાય છે.
જાંબુડું પોષક તત્ત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન ઈ, આયર્ન, ફાઈબર અને અનેક ખનિજ તત્ત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. પાચનક્રિયા સુધારવામાં, શરીરને ઠંડક આપવામાં અને લોહીની ગુણવત્તા જાળવવામાં પણ જાંબુડું ઉપયોગી માનવામાં આવે છે. ઘણા લોકો પરંપરાગત રીતે તેના બીજના ચૂર્ણનો ઉપયોગ પણ કરે છે. વરસાદી માહોલમાં હાથમાં તાજાં જાંબુડાં હોય તો તેની મજા જ કંઈક અલગ હોય છે. જ્યાં ગુણ છે ત્યાં સાવચેતી પણ જરૂરી છે.
જાંબુડું વધુ પ્રમાણમાં ખાવાથી કેટલાક લોકોને એસિડિટી, પેટમાં ભારેપણું અથવા કબજિયાત જેવી તકલીફ થઈ શકે છે. કોઈ પણ ફળની જેમ તેનું પણ મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું શ્રેષ્ઠ છે. સ્વાદ, સ્વાસ્થ્ય અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સંગમ ગણાતું જાંબુડું ભારતીય ઋતુચક્રનું એવું ફળ છે જે દર વર્ષે થોડા સમય માટે આવે છે. ભલે જીભ જાંબલી થઈ જાય પણ જાંબુડા ખાધા જ રાખ્યે તેવી પ્રતીતિ થાય. અત્યારે સીઝન છે તો જાંબુડા ખાજો ને મોજ માણજો હો...