Mon Sep 07 2026

Logo

નાશિકમાં પ્રતિબંધ છતાં 22 વૃક્ષો કાપવા બદલ NGTની પાલિકાને નોટિસઃ 22 કરોડના દંડની શક્યતા

2026-04-29 21:14:48
Author: Mumbai Samachar Team
નાશિકમાં પ્રતિબંધ છતાં 22 વૃક્ષો કાપવા બદલ NGTની પાલિકાને નોટિસઃ 22 કરોડના દંડની શક્યતા

નાશિક: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ નાશિક મહાનગરપાલિકાને કારણદર્શક નોટિસ જારી કરીને સવાલ કર્યો છે કે શહેરમાં 22 વૃક્ષ કાપવા પર પ્રતિબંધ હોવા છતાં તેમની પાસેથી 22 કરોડ રૂપિયા કેમ વસૂલ ન કરવા જોઈએ. 

ટ્રિબ્યુનલે નાશિકમાં વૃક્ષ કાપવા પરનો પ્રતિબંધ 19 જૂન સુધી લંબાવ્યો હતો. 28 એપ્રિલે થયેલી સુનાવણી દરમિયાન અરજદાર પર્યાવરણવિદ મનીષ બાવિસ્કરએ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે સ્ટે હોવા છતાં નાશિકમાં 22 વૃક્ષો કાપવામાં આવ્યા હતા.

અરજદારે નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મનિષા ખત્રી અને પાલિકાના ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ વિવેક ભદાણે પાસેથી વ્યક્તિગત રીતે 22 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી. સુનાવણી દરમિયાન વકીલોની એક ટીમે ટ્રિબ્યુનલ સમક્ષ પાલિકાનું પ્રતિનિધિત્વ કર્યું.

ટ્રિબ્યુનલએ નાશિકમાં વૃક્ષ કાપવા પરનો સ્ટે 19 જૂન સુધી લંબાવી સ્પષ્ટ કર્યું કે કટોકટીની પરિસ્થિતિઓમાં, ખાસ પરવાનગી લીધા પછી (વૃક્ષો કાપવાની) કાર્યવાહી કરી શકાય છે. આ આરોપોની ગંભીર નોંધ લઈ ટ્રિબ્યુનલએ પાલિકાને કારણ બતાવો નોટિસ જારી કરી શા માટે આ રકમ નાગરિક સંસ્થા પાસેથી વસૂલ ન કરવી જોઈએ એવો સવાલ કર્યો  હતો.

અદાલતે નાશિક મહાનગરપાલિકાના કમિશનર, ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ અને સંબંધિત અધિકારીઓને કથિત વૃક્ષ કાપવા અંગે બે અઠવાડિયામાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા આદેશ પણ જારી કર્યો છે.