Sun Sep 13 2026

Logo

બાળક સાથે ચાલતી ટ્રેને ઊતરવા જતાં પ્લૅટફોર્મ પર પડેલી મહિલાનો જીવ પોલીસ અધિકારીએ બચાવ્યો

2026-04-29 18:37:44
Author: યોગેશ સી પટેલ
બાળક સાથે ચાલતી ટ્રેને ઊતરવા જતાં પ્લૅટફોર્મ પર પડેલી મહિલાનો જીવ પોલીસ અધિકારીએ બચાવ્યો

થાણે: દોઢ વર્ષના દીકરા સાથે ચાલતી ટ્રેને ઊતરવાના પ્રયાસમાં મહિલા પ્લૅટફોર્મ પર પડી ગઈ હતી. કલ્યાણ સ્ટેશને બનેલી આ ઘટનામાં ટ્રેન અને પ્લૅફોર્મ વચ્ચેના ગેપમાં ફસાયેલી મહિલાનો જીવ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના અધિકારીએ બચાવ્યો હતો.પ્લૅટફોર્મ પર ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર (એએસઆઈ) હેમંત બરગુડેએ સમયસૂચકતા વાપરી બહાદુરીથી મહિલા અને તેના બાળકને બચાવી લીધાં હતાં. સ્ટેશન પર લાગેલા સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી, જેનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સાંજે કલ્યાણના પ્લૅટફોર્મ નંબર-પાંચ પર બની હતી. બચાવી લેવાયેલી મહિલા પ્રવાસીની ઓળખ અંતિમા શુક્લા (20) તરીકે થઈ હતી.
મહિલા દોઢ વર્ષના પુત્ર સાથે પ્રયાગરાજ-મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેન કલ્યાણ સ્ટેશને પહોંચી ત્યારે ધીમી ગતિએ ચાલી રહી હતી. કહેવાય છે કે અંતિમા દીકરા સાથે ચાલતી ટ્રેનમાંથી ઊતરવા ગઈ ત્યારે સંતુલન ગુમાવવાને કારણે પ્લૅટફોર્મ પર પડી ગઈ હતી.

આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા પ્લૅટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ફસાઈ હતી અને ટ્રેન સાથે ઘસડાવા લાગી હતી. બરગુડેની નજર પડતાં તે તરત મહિલા તરફ દોડ્યો હતો. મહિલાને પ્લૅટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાંથી ખેંચી કાઢી હતી. કોઈ અનિચ્છનીય ઘટના બનવા પહેલાં મહિલા અને તેના બાળકનો જીવ બચાવી લેવાયો હતો. બરગુડેની મદદ માટે અન્ય પ્રવાસીઓ પણ દોડી આવ્યા હતા. આ ઘટનામાં મહિલાને કોઈ મોટી ઇજા થઈ નહોતી, માત્ર શરીરે ઉઝરડા પડ્યા હતા. (પીટીઆઈ)