Wed Apr 22 2026

Logo

અશોક ખરાત હવે મની લોન્ડરિંગની જાળમાં સપડાયો: ઈડીએ તપાસ હાથ ધરી

2026-04-06 18:07:04
Author: યોગેશ સી પટેલ
Article Image

નાશિક: મહિલા સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતની મુશ્કેલીમાં વધારો થયો છે. ખરાતે તેના અને પરિવારજનોના નામે ખરીદેલી મિલકતોનું પ્રકરણ સામે આવ્યા પછી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી છે.
સ્વઘોષિત જ્યોતીષી અશોક ખરાત વિરુદ્ધ 13 ગુના નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના મહિલાઓની જાતીય સતામણીના છે. ખરાત વિરુદ્ધ છેતરપિંડી કરીને ખરોડો રૂપિયાની મિલકત એકઠી કર્યાનો પણ આરોપ છે. નાશિક પોલીસે આપેલી માહિતીને આધારે ઈડીએ આ આખા કાંડમાં આર્થિક ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

કહેવાય છે કે તપાસ દરમિયાન નાશિક પોલીસે તાબામાં લીધેલા બધા મહત્ત્વના દસ્તાવેજો ઈડીએ પોતાના તાબામાં લીધા છે. ખરાતનું આ વિશાળ આર્થિક સામ્રાજ્ય કઈ રીતે નિર્માણ પામ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.બીજી બાજુ, અશોક ખરાતની પત્ની કલ્પના ખરાતને શોધવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. શિર્ડીમાં જમીન ખરીદી પ્રકરણમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો ત્યારથી કલ્પના ગુમ છે. એસઆઈટીએ કલ્પનાની શોધ માટે નાશિક, પુણે અને અહિલ્યાનગરમાં અધિકારીઓની ત્રણ ટીમ મોકલાવી હોવાનું જાણવા મળ્યું હતું.

છેતરપિંડીના આ કેસમાં અશોક ખરાત વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો. હાલમાં એસઆઈટી દ્વારા ખરાતની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ખરાતની પત્ની ગુમ છે તો તેના પુત્ર હર્ષવર્ધનનો ફોન ‘નૉટ રિચેબલ’ આવી રહ્યો હોવાનું કહેવાય છે.