ભારતના ૪૦ ટકા કાર્ગોનું ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલીંગ, દેશના કેમિકલ ઉદ્યોગમાં ૩૩ ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર
ગાંધીનગરઃ ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. ૧લી મે, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈથી અલગ થયેલું ગુજરાત આજે માત્ર ભારતનું એક રાજ્ય નથી, પરંતુ વિશ્વના નકશા પર ‘મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ’ બનીને ઉભર્યું છે. જે રાજ્ય પાસે દેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા જમીન છે, તે આજે દેશના અર્થતંત્રનો ધબકાર બનીને દેશની GDPમાં ૮.૩ ટકા યોગદાન આપી રહ્યું છે. ગુજરાત આજે ભારતની અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ બન્યુ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે. દેશની કુલ નિકાસમાં ૨૬ ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ, પ્રોએક્ટીવ પોલીસી નિર્માણ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંધવીના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા અધ્યાય થકી વિવિધ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૧.૪ ટકા
ગુજરાતની પ્રગતિ હવે માત્ર વાતોમાં નહીં, પણ આંકડાઓમાં બોલે છે. ગુજરાતના છેલ્લા બે દાયકાની વિકાસયાત્રા પર નજર કરીએ તો કુશળ નાણાકીય વ્યવસ્થાપન અને પ્રો-બિઝનેસ નીતિઓના પરિણામે ગુજરાતની માથાદીઠ આવક ઈતિહાસમાં પ્રથમવાર રૂ. ૩ લાખને પાર કરી ગઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુ છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૧.૪ ટકા રહ્યો છે, જે ભારતની સરેરાશ કરતા વધુ છે.
ગુજરાત આજે ભારતની અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ બન્યું છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૯ ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે. દેશની કુલ નિકાસમાં ૨૬ ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. માત્ર જમીન માર્ગે જ નહીં, પણ સમુદ્રી વ્યાપારમાં પણ ગુજરાતનું પ્રભુત્વ અજોડ છે. ભારતનો ૪૦ ટકા જેટલો વિશાળ કાર્ગો ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. આ આંકડા સાબિત કરે છે કે વૈશ્વિક વ્યાપાર માટે ગુજરાત એ ભારતનું સૌથી મહત્વનું પ્રવેશદ્વાર છે.
કેમિકલ ઉદ્યોગમાં ૩૩ ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર
કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દેશના કેમિકલ ઉદ્યોગમાં ૩૩ ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતે ૮.૪૨ ટકાનો વાસ્તવિક વૃદ્ધિ દર જાળવી રાખીને સાબિત કર્યું છે કે તે મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. કૃષિથી લઈને ફિનટેક સુધીના દરેક ક્ષેત્રમાં ગુજરાતે સમતોલ વિકાસ સાધીને 'વિકસિત ભારત' માટેનો સાચો માર્ગ પ્રશસ્ત કર્યો છે.
‘સોમનાથ સ્વાભિમાન’ જેવા આસ્થા સાથે જોડાયેલા પર્વથી ગુજરાતે પોતાની ધરોહર જાળવવાની સાથે ‘ઈ-ગ્રામ’થી લઈને ‘સેવા સેતુ’ જેવા અભિયાન થકી ટેકનોલોજીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડી છે. જેના થકી ગુજરાતે વહીવટને પેપરલેસ બનાવી નાગરીકોની સેવાઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી છે.
'સેમીકન્ડક્ટર' અને ગ્લોબલ 'ફિનટેક'નું પણ કેન્દ્ર
ગુજરાત હવે પરંપરાગત ઉદ્યોગોની સાથે 'સેમીકન્ડક્ટર' અને ગ્લોબલ 'ફિનટેક'નું પણ કેન્દ્ર બન્યું છે. ગુજરાત એ ભૂમિ છે જ્યાં સોમનાથ અને દ્વારકાનું આધ્યાત્મિક તેજ પણ છે તેમજ ગિફ્ટ સિટી- ધોલેરા સ્માર્ટ સિટી જેવું આધુનિક વિઝન પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, રામસર સાઇટ, નડા બેટ અને હેરિટેજ સિટી અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે.
હવે રાજ્યના એવા મહત્વના પ્રોજેક્ટ્સ પર નજર કરીએ જે ગુજરાતના ભવિષ્યને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. સિંધુ ખીણની સભ્યતાનું પ્રતિક એવુ સૌથી જૂનું બંદર લોથલ ખાતે વિશ્વકક્ષાના 'નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ'નું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ મ્યુઝિયમ ભારતની હજારો વર્ષ જૂની નૌકાશાસ્ત્ર અને વિશ્વ સાથેની દરીયાઈ વેપારની પરંપરાને પુન: જીવંત કરશે.
રાજ્યમાં ધાર્મિક પર્યટનને વેગ આપવા અને પ્રવાસીઓનો આકર્ષવા મોટા પાયે ધાર્મિક સ્થળોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સોમનાથ મંદિરની આસપાસ સાગર દર્શન પથઅને પ્રદર્શન કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાજીમાં પણ યાત્રિકોની સુવિધા માટે ભવ્ય કોરીડોર નિર્માણ તેમજ ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથના કામો પ્રગતિ હેઠળ છે.
ગુજરાતની ગતિશીલતાનું સૌથી મોટું પ્રતીક એટલે ભારતનો સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. જેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટના નિર્માણ થકી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.