નાગપુર પોલીસ કમિશનરની ઓફિસને મળેલા પત્ર બાદ સિક્યુરિટી એલર્ટ જાહેર
નાગપુર: નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) મુખ્યાલય, ભાજપની ઓફિસ સહિત મુખ્ય સ્થળો પર રેડિયોએક્ટિવ સામગ્રી પ્લાન્ટ કરી હોવાનો દાવો કરતો નનામો પત્ર મળ્યા બાદ હાઇ-સિક્યુરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવીન્દ્ર સિંઘલની ઓફિસને 27 એપ્રિલના રોજ આ પત્ર પ્રાપ્ત થયો હતો. પત્રને ગંભીરતાથી લઇને પોલીસે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) તેમ જ એનર્જી એક્સપટર્સ સહિત ઘણી બધી ટીમો તપાસ માટે બનાવી હતી. આ ટીમોએ પત્રમાં ઉલ્લેખિત સ્થળો પર સઘન તપાસ કરી હતી, પરંતુ રેડિયોએક્ટિવ સામગ્રીના કોઇ નિશાન તેમને મળી આવ્યાં નહોતા. આ પત્ર અફવા અને ભય ફેલાવવા માટે મોકલવામાં આવ્યો હશે, એવી શંકા પોલીસને છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
અંગ્રેજીમાં લખાયેલો પત્ર ‘ડીએસએસ’ નામના સંગઠન દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું દર્શાવાયું છે. પત્રમાં વાંધાજનક ટિપ્પણીઓ કરાઇ છે અને કેઝિયમ-137 નામે ઉચ્ચ રેડિયોએક્ટિવ પદાર્થ શહેરમાં ઠેકઠેકાણે પ્લાન્ટ કરાયા હોવાનું તેમાં જણાવવામાં આવ્યું હતું.
પત્રમાં ખાસ કરીને આરએસએસ મુખ્યાલય, સ્મૃતિ મંદિર (આરએસએસના સ્થાપક ડૉ. કે. બી. હેડગેવાર અને સંગઠનના બીજા વડા એમ.એસ. ગોલવલકરને સમર્પિત સ્મારક) અને ગણેશપેઠ ખાતે ભાજપના કાર્યાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઓરેન્જ અને એક્વા લાઇન પર મેટ્રો ટ્રેનોની સીટ નીચે તથા આ વિસ્તારો નજીક કાર્યરત ‘આપલી બસ’માં રેડિયોએક્ટિવ સામગ્રી પ્લાન્ટ કરવામાં આવી છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ સામગ્રી કેન્સર હૉસ્પિટલમાંથી મેળવવામાં આવી હતી અને શહેરમાં રેડિયેશનના ખતરાની ધમકી પણ આપવામાં આવી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પત્ર મળ્યા બાદ અમે તાત્કાલિક ઇમર્જન્સી પ્રોટોકોલ એક્ટિવ કરી દીધા હતા અને અનેક ટીમોને તહેનાત કરવામાં આવી હતી. ઉપરાંત ઉલ્લેખિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી હતી.
એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ), એનડીઆરએફ અને ઍટમિક એનર્જી નિષ્ણાતોએ ઓળખી કઢાયેલા સ્થળોએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. જોકે રેડિયોએક્ટિવ સામગ્રીના કોઇ નિશાન મળી આવ્યાં નહોતાં. પ્રથમદર્શી આ અફવા લાગે છે, પરંતુ અમે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ, એમ એટીએસના અધિકારીએ કહ્યું હતું.
પત્રમાં દોસાર ભવન મેટ્રો સ્ટેશન નજીક જપ્ત કરાયેલા ડિટોનેટર અને જિલેટીન સ્ટિક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં જવાબદારી સ્વીકારવામાં આવી હતી અને તેને ‘ચેતવણી’ કહેવામાં આવી હતી. આ ધમકી બાદ એટીએસ દ્વારા નોંધાવાયેલી ફરિયાદને આધારે સદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરએસએસ મુખ્યાલય ફરતે સુરક્ષા વધારી દેવામાં આવી હોવાનું અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)