Mon Sep 07 2026

Logo

બરગી ડેમ અકસ્માત: છેલ્લે સુધી માતાએ પુત્રને છાતીએ વળગાડી રાખ્યો, જબલપુર ફરવા આવેલા માતા-પુત્રનું નિધન, પિતા-પુત્રીનો આબાદ બચાવ...

2026-05-01 16:02:00
Author: Darshana Visaria
બરગી ડેમ અકસ્માત: છેલ્લે સુધી માતાએ પુત્રને છાતીએ વળગાડી રાખ્યો, જબલપુર ફરવા આવેલા માતા-પુત્રનું નિધન, પિતા-પુત્રીનો આબાદ બચાવ...

જબલપુર દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં થયો વધારો

મધ્ય પ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે ગુરુવારે સર્જાયેલા ગમખ્વાર ક્રૂઝ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ કરૂણ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર દિલ્હીથી ફરવા આવેલા એક પરિવારના માતા અને તેના ચાર વર્ષના દીકરાનો મૃતદેહ હૃદયદ્રાવક અવસ્થામાં મળી આવ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. 

 
મધ્ય પ્રદેશના જબલપુરના બરગી ડેમમાં થયેલા આ અકસ્માતનો સૌથી દર્દનાક નઝારો શુક્રવારે સવારે સામે આવ્યો હતો જ્યારે રેસ્ક્યૂ ટીમ દ્વારા દિલ્હીના એક પરિવારની માતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. 

 

આ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ટીમ દ્વારા જ્યારે માતા-પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે ચાર વર્ષનું માસૂમ બાળક તેની માતાના સીને વળગેલું જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર પ્રધાન રાકેશ સિંહ અને બચાવ દળના સભ્યોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી આ પરિવાર વેકેશન મનાવવા જબલપુર આવ્યો હતો.  પરિવારમાં પતિ, પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થતો હતો. આ ગોઝારા અકસ્માત દરમિયાન પિતા અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ માતા અને પુત્ર ક્રૂઝની અંદર જ ફસાઈ ગયા હતા.

અત્યાર સુધીમાં આ ગમખ્વાર દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા હોવાની અને 24 લોકોને સુખરૂપ ઉગારી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે, હજી પણ 9 લોકો લાપતા હોઈ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.