Sun Sep 06 2026

Logo

નાગપુર બનશે ભારતનું પહેલું એરોટ્રોપોલિસઃ એવિએશન ક્ષેત્રે 29,000 કરોડનું રોકાણ થશે

2026-06-25 21:04:09
Author: Mumbai Samachar Team
નાગપુર બનશે ભારતનું પહેલું એરોટ્રોપોલિસઃ એવિએશન ક્ષેત્રે 29,000 કરોડનું રોકાણ થશે

નાગપુર: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામમોહન નાયડુએ જાહેરાત કરી છે કે ભારત સરકાર આગામી 10 વર્ષમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની યોજના પર કામ કરી રહી છે, જેના માટે ₹ 29,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે જ નાગપુર એરપોર્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ GMR ગ્રુપને સોંપવામાં આવ્યું છે, જે ભારતના પ્રથમ 'એરોટ્રોપોલિસ' અને અગ્રણી MRO હબ તરીકે વિકસિત થશે.

નાગપુર ભારતના પ્રથમ એરોટ્રોપોલિસ તરીકે ઊભરી શકે છે અને તે દેશનું 'જાળવણી, સમારકામ અને સુધારણા' (એમઆરઓ) હબ સ્થાપિત કરવા માટે સૌથી યોગ્ય સ્થળ છે, એમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું હતું.

 છેલ્લા 12 વર્ષમાં દેશે ઉડ્ડયન ક્ષેત્રમાં જે વૃદ્ધિ હાંસલ કરી છે તે માત્ર શરૂઆત છે કારણ કે ઘણી મોટી વૃદ્ધિ થવાની છે. એરોટ્રોપોલિસ એ મહાનગરનો એક પ્રદેશ છે જેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જમીનનો ઉપયોગ અને અર્થતંત્ર એરપોર્ટ પર કેન્દ્રિત છે.

નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે 'નાગપુર માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. બધા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાનમથક જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ ઔપચારિક રીતે જીએમઆરને સોંપવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ લગભગ નવ વર્ષની લાંબી રાહ જોયા બાદ કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.'

કેન્દ્રીય પ્રધાનના અભિપ્રાય અનુસાર ભારત ઉડ્ડયન ક્ષેત્રમાં ખૂબ વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. મૂળ આયોજન 10 વર્ષનું હતું. પીએમ મોદી તેને વધુ 10 વર્ષ માટે લંબાવી રહ્યા છે જેના માટે કેન્દ્ર રૂ. 29 હજાર કરોડ ખર્ચ કરશે. આગામી 10 વર્ષના લક્ષ્યમાં દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ...