Wed Jun 17 2026

Logo

નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ: કંપનીના નવ ડિરેક્ટરની ધરપકડ, મૃત્યુઆંક વધ્યો

2026-03-04 15:25:31
Author: Yogesh D Patel
Article Image

નાગપુર: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ પ્રકરણે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ કંપનીના નવ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. ફેક્ટરીમાં રવિવાર સવારે થયેલા બ્લાસ્ટમાં 23 કર્મચારી ઘાયલ થયા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે, જેમાંથી એક કર્મચારીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં બ્લાસ્ટનો મરણાંક હવે 19 પર પહોંચ્યો છે.

નાગપુરની કલમેશ્ર્વર પોલીસે એસબીએલ એનર્જી લિમિટેડના 21 ડિરેક્ટર્સ અને શેરહોલ્ડર્સ સામે ભારતીય ન્યાય સંહિતાનની કલમ 105 (સદોષ મનુષ્યવધ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને કંપનીના નવ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (નાગપુર ગ્રામીણ) ડૉ. હર્ષ પોદ્દારે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફટી ઓર્ગેનાઇઝેશન (પીઇએસઓ) અને ડિફેન્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સિક્યુરિટી (ડીઆઇએસએસ) દ્વારા પ્રાથમિક અહેવાલમાં કંપનીમાં રહેલી સુરક્ષા ક્ષતિઓ પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલને આધારે પોલીસે કંપનીના અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

નાગપુર જિલ્લાના કાટોલ તહેસીલમાં રાઉળગાંવ ખાતે આવેલી ફેક્ટરીમાં રવિવારે સવારના સાત વાગ્યાની આસપાસ ધડાકો થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે ફેક્ટરીની ભીંત ધસી પડી હતી અને તેના ફુરચા લગભગ અડધો કિલોમીટર દૂર સુધી ઊડ્યા હતા. બ્લાસ્ટ થયો ત્યાં અંદર 35 કર્મચારીઓ હાજર હતા અને બ્લાસ્ટ બાદ આગ લાગતાં 18 કર્મચારીનાં મોત થયા હતા, જ્યારે 24 જણ ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી વધુ એકનું મૃત્યુ થયું હતું.