Thu Sep 03 2026

Logo

મુંબ્રામાં 18 મહિનાની દીકરીની હત્યા કરવાના કેસમાં માતાને જનમટીપ

2026-06-25 18:06:51
Author: Yogesh C. Patel
મુંબ્રામાં 18 મહિનાની દીકરીની હત્યા કરવાના કેસમાં માતાને જનમટીપ

શબને દાટી દઈ પુરાવા સગેવગે કરનારા પિતાને પણ ચાર વર્ષની કેદ

થાણે: મુંબ્રામાં 18 મહિનાની દીકરીની હત્યા કરવાના 2024ના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે માતાને જનમટીપની સજા ફટકારી હતી. દીકરીના શબને દાટી દઈને પુરાવાનો નાશ કરવાના આરોપસર કોર્ટે પિતાને પણ ચાર વર્ષની કેદ સંભળાવી હતી.

સેશન્સ જજ આર. ડી. સાવંતે બાળકીનું મૃત્યુ જવલ્લેજ જોવા મળતી ચામડીની બીમારીથી થયું હોવાની બચાવ પક્ષની દલીલ ફગાવી દીધી હતી. ‘રૅરેસ્ટ ઑફ રૅર’ કેસ હોવાની તપાસકર્તા પક્ષની દલીલને નકારી કાઢતાં કોર્ટે માન્યું હતું કે આકરા કારાવાસની સજા ન્યાય માટે પૂરતી રહેશે. મૃત્યુદંડની સજાની આવશ્યકતા નથી.

કોર્ટે નૂરાની (ખાતૂન) જાહિદ શેખ (28)ને ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કસૂરવાર ઠેરવી હતી. બાળકીના પિતા જાહિદ સલામત શેખ (38)ને પુરાવાનો નાશ કરવા બદલ આઈપીસીની કલમ 201 હેઠળ દોષી ઠેરવાયો હતો.

ઘટના 18 અને 19 માર્ચ, 2024 દરમિયાન થાણે નજીકના મુંબ્રા ખાતે દંપતીના નિવાસસ્થાને બની હતી. પોલીસને તસવીરો સાથે નનામી ફરિયાદ મળતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે સ્થાનિક કબ્રસ્તાનમાંથી બાળકીનો મૃતદેહ પાછો કાઢીને ફોરેન્સિક તપાસ માટે મોકલાવ્યો હતો. વળી, દંપતીની બે મોટી પુત્રીએ તેમની માતાને બાળકી પર છરીથી હુમલો કરતી જોઈ હતી. તેમાંથી એક છોકરી ઘરેલુ હિંસાનો ભોગ પણ બની હતી.

બચાવ પક્ષે દાવો કર્યો હતો કે બાળકી જવલ્લેજ જોવા મળતી ત્વચાની બીમારીથી પીડાતી હતી અને તેને કારણે જ મૃત્યુ પામી હતી. જોકે કોર્ટે ઓટોપ્સી પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર દ્વારા રજૂ કરાયેલા પુરાવાને આધારે બચાવ પક્ષની દલીલો નકારી કાઢી હતી.

પોસ્ટમોર્ટમના અહેવાલમાં બાળકીની ખોપડી અને ગરદન પર ધારદાર શસ્ત્રના 14 ઘા હોવાનું જણાવાયું હતું. કોર્ટે એવી પણ નોંધ કરી હતી કે જો અપરાધ ઘરની ચાર દીવાલની અંદર ગુપ્ત રીતે આચરાયો હોય તો એવા કેસમાં આરોપ પુરવાર કરવા માટે રજૂ કરાયેલા પુરાવા સાંયોગિક પુરાવા જેવા ન હોઈ શકે. આરોપી ગેરવાજબી અને અસંભાવ્ય ખુલાસા કરીને છટકી ન શકે.

આ હુમલા પછી પિતાએ તુરંત પુત્રીને તબીબી ઉપચાર મળે તેના પર ધ્યાન આપવું જોઈતું હતું, ગુનાનો ઢાંકપિછોડો કરવો જોઈતો નહોતો. તેણે નવજાતને કોઈ ઇજા પહોંચાડી હોય તેવા પુરાવા નથી. જોકે ઘટનાની જાણ પોલીસને ન કરવી અને પુરાવાનો નાશ કરવાનો તેના પર આરોપ છે. તેણે ખોટી માહિતીને આધારે મૃત્યુનો દાખલો મેળવવામાં અને શબને દફનાવીને પત્નીને મદદ કરી હતી.
એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રશ્મી ક્ષીરસાગરે આરોપ સિદ્ધ કરવા માટે 16 સાક્ષી તપાસ્યા હતા. (પીટીઆઈ)