થાણે: મુંબ્રા વિસ્તારમાં 2021માં વિવાદ થયા બાદ સ્થાનિક રહેવાસીની હત્યા કરવા બદલ કોર્ટે 29 વર્ષના આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે સહ-આરોપીને પુરાવાને અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ.બી. અગ્રવાલે આ કેસમાં સોમવારે ચુકાદો આપ્યો હતો.
કોર્ટે આરોપી અંકેશ ગુપ્તાને હત્યા અને ગુનાહિત ધાકધમકી બદલ દોષી ઠેરવ્યો હતો અને તેને 1.10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ રકમ મૃતકની પત્નીને વળતર તરીકે ચૂકવવામાં આવે, એવા નિર્દેશ કોર્ટે આપ્યા હતા. થાણે જિલ્લાના મુંબ્રામાં વિવાદ થયા બાદ સમીર શશિકાંત પાઠારેની શસ્ત્રના ઘા ઝીંકી હત્યા કરવા બદલ પોલીસે 6 ઑગસ્ટ, 2021ના રોજ અંકેશ ગુપ્તા અને પ્રશાંત પ્રદીપ ગુજર (29) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બંને વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 506 (ગુનાહિત ધાકધમકી) અને 34 (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ફરિયાદ પક્ષે મૃતકની પત્ની સહિત 12 સાક્ષીદારને જુબાની આપવા માટે કોર્ટમાં હાજર કર્યાં હતાં. કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે સંજોગોની સાંકળ અને ગુનામાં આરોપી નંબર-1 (ગુપ્તા)ની સીધી સંડોવણી સફળતાપૂર્વક સાબિત કરી છે. કોર્ટે અંકેશ ગુપ્તાને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે ગુજરને નિર્દોષ જાહેર કર્યો હતો, કારણ કે ગુજરની સક્રિય સંડોવણી અને સમાન ઇરાદો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો હતો. (પીટીઆઇ)