(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના મોટાભાગના રસ્તાઓ તથા ફેરિયાઓ પર ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસનારા ફેરિયાઓના ત્રાસથી બહુ જલદી નાગરિકોને રાહત મળવાની શકયતા છે. ગેરકાયદે ફેરિયાઓને રોકવા અને અધિકૃત વિક્રેતાઓને ઓળખવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટાઉન વેન્ડિંગ કમિટી (ટીવીસી) માટે ૨૦૧૪માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ઓળખાયેલા રજિસ્ટર્ડ ફેરિયાઓને ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડ-સક્ષમ આઈડેન્ટીટી કાર્ડ આપવાનું શરૂ કર્યું છે. ઘાટકોપરમાં શનિવારે ૪,૯૭૧ રજિસ્ટર્ડ ફેરિયાઓને ક્યૂઆર કોડ-સક્ષમ ઓળખ કાર્ડ આપવામાં આવ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકા પાસે કાયદેસર રીતે કુલ ૯૯,૩૪૫ ફેરિયાઓ રજિસ્ટર્ડ થયા છે. પાલિકા તરફથી ક્યૂઆર કોડ-સક્ષમ ઓળખ કાર્ડ તેમને આપવામાં આવવાના છે. ફેરિયાઓને તેમની નોંધણીની વિગતો ચકાસવા માટે તેમના સંબંધિત વોર્ડ ઓફિસની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે, ત્યારબાદ તેમને આઈડેન્ટી કાર્ડ આપવામાં આવવાના હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
ફેરિયાઓના રજિસ્ટ્રેશનનું વેરીફિકેશન ડ્રાઈવ પાંચ જૂને શરૂ થઈ હતી અને ૧૫ જૂન સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ લગભગ બે અઠવાડિયાનો વિલંબ થયો હતો. આખરે ગુરુવારે આ ઝુંબેશ શરૂ થઈ હતી. એ બાદ મુંબઈના મેયરે પહેલા તબક્કામાં ૧૦૦ રજિસ્ટર્ડ ફેરિયાઓને ક્યૂઆર કોડ-સક્ષમ ઓળખ કાર્ડનું વિતરણ કર્યું હતું.
વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન ઘણા રજિસ્ટર્ડ ફેરિયાઓ મુંબઈથી દૂર હોવાનું જાણવા મળ્યું હોવાથી આ કવાયત તેની સમયમર્યાદાને વટાવી ગઈ. શનિવારે પાલિકાએ વધુ ૪,૯૭૧ ક્યૂઆર કોેડ-સક્ષમ ઓળખ કાર્ડ આપ્યા હતા. દાદરમાં સૌથી વધુ વેરિફાઈડ થયેલા ફેરિયાઓ હતા, ત્યારબાદ કોલાબા, ચર્ચગેટ અને ગોરેગાંવનો ક્રમ આવે છે. ક્યૂઆર કોડ-સક્ષમ ઓળખ કાર્ડ મેળવતા પહેલા, ફેરિયાઓએ તેમના સંબંધિત વોર્ડ ઓફિસમાં તેમની વ્યક્તિગત વિગતો, સર્વે નંબર, વેચાણ સ્થાન અને અધિકારક્ષેત્ર ચકાસવું જરૂરી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર ક્યૂઆર કોડ અધિકૃત વિક્રેતાઓનું તાત્કાલિક પ્રમાણીકરણ પ્રદાન કરશે અને પાલિકા તથા મુંબઈ પોલીસ બંનેને ગેરકાયદે ફેરિયાઓને વધુ કાર્યક્ષમ રીતે ઓળખવામાં અને તેમની સામે કાર્યવાહી કરવામાં મદદ મળશે. એક સર્વેમાં સમગ્ર મુંબઈમાં લગભગ ૧.૬૫ લાખ ફેરિયાઓની ઓળખ થઈ હતી, પરંતુ ફક્ત ૯૯,૩૪૫ લોકોએ દસ્તાવેજીકરણ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સર્વે કરાયેલા વિક્રેતાઓની યોગ્યતા અંગેના કોર્ટ કેસ અને વિવાદોને કારણે પૉલિસી વર્ષો સુધી અટવાયેલી રહી. જોકે એપ્રિલમાં ટીવીસીની રચના સાથે આ પ્રક્રિયાને વેગ મળ્યો હતો.