મુંબઈ: મુંબઈ શહેર અને ઉપનગરમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન આજથી શરૂ થઈ ગયું છે અને આ અભિયાન 29 જુલાઈ 2026 સુધી ચાલશે. મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો ઉદ્દેશ મતદારયાદીને ચોક્કસ અને અપડેટ કરવાનો છે.
આ અભિયાન દરમિયાન બુથ લેવલ ઓફિસર (બીએલઓ) મતદારના ઘરે પહોંચશે. તેઓ મતદારોને ગણતરી ફોર્મ ઉપલબ્ધ કરાવશે. મતદારોએ આ ગણતરી ફોર્મમાં પોતાની યોગ્ય જાણકારી ભરીને હસ્તાક્ષર કરવાના રહેશે અને એક પ્રતિ બીએલઓને પરત સોંપવાની રહેવાશે. આ પ્રક્રિયાથી મતદારયાદીમાં થયેલી કોઈ પણ ભૂલોને દૂર કરવામાં આવશે.
નવા મતદારો માટે દસ્તાવેજોની જરૂર
જે વ્યક્તિઓના નામ અગાઉની યાદીમાં સામેલ નથી અને જે લોકો નવી નોંધણી કરવા માંગતા હોય, તેમને પોતાની ઓળખાણ અને પાત્રતા સાબિત કરવા માટે દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. આ દસ્તાવેજોમાં જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, 10માં ધોરણની માર્કશીટ, રહેઠાણ પ્રમાણ પત્ર, આધાર કાર્ડ, બેંક/પોસ્ટઑફિસ રેકોર્ડ, NRC સબંધી દસ્તાવેજ, સરકારી ઓળખ પત્ર વગેરે સામેલ છે.
ફોટો અને સહકારની અપીલ
પાલિકા દ્વારા દરેક મતદારોને સલાહ આપવામાં આવી છે કે હાલનો પોતાનો પાસપોર્ટ સાઈઝ રંગીન ફોટો તૈયાર રાખવો, આથી ચકાસણી પ્રક્રિયા ઝડપી અને સરળ બની શકશે. પાલિકાએ નાગરિકોને બીએલઓ સાથે સંપૂર્ણ સહકાર કરવાની અપીલ કરી છે જેથી આ અભિયાન સમય પર અને પારદર્શક રીતે પૂર્ણ કરી શકાય.
આ અભિયાનનું શું હશે મહત્વ
આ સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન આગામી ચૂંટણી પ્રક્રિયાઓની તૈયારીઓનો મહત્વપૂર્ણ ભાગ છે, આનાથી મૃતક, બે નામવાળા અને સ્થળાંતરિત મતદારોના નામ હટાવી શકાય અને નવા મતદારોને યાદીમાં સામેલ કરી શકાય અને તેના માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈ જેવા વધારે વસ્તી ધરાવતા મહાનગરમાં આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
નાગરિકોની જવાબદારી
પાલિકા અનુસાર મતદારયાદીનું શુદ્ધિકરણ ત્યારે જ શક્ય બનશે, જયારે નાગરિકો સક્રિયરૂપે ભાગ લેશે. બીએલઓને સચોટ જાણકારી આપવી અને ફોર્મ સમયસર પરત કરવું તે દરેક મતદારોની જવાબદારી બને છે. જો કોઈ મતદાર ઘરે મળતો નથી તો બીએલઓ બાદમાં પણ સંપર્ક કરી શકે છે.