Thu Apr 23 2026

Logo

ભાષા સંસ્કૃતિનું ઘર છે, જે દિવસે આ ઘર તૂટશે એ દિવસે સંસ્કૃતિ પણ પડી ભાંગશે: પૂજ્ય ભાઈશ્રી

2026-04-07 00:20:00
Author: Mumbai Samachar Team
Article Image

(તસવીરો: અમય ખરાડે)


મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત અભૂતપૂર્વ માતૃભાષા ભાગવત સપ્તાહના પાંચમા દિવસે ગોવર્ધન પૂજા, 56 ભોગ અને 84 બેઠકજીના દર્શન માટે સનાતન નગરીમાં હજારો ભાવિકો ઊમટી પડ્યા હતા. સપ્તાહના પાંચમા દિવસે પૂજ્યભાઈશ્રીના મુખે વરસી રહેલાં કથામૃતમાં ભાવિકો રસતરબોળ થઈ ગયા હતા.

પાંચમા દિવસે ભાઈશ્રીએ ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં ત્યાગનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે ત્યાગ જીવનમાં અનિવાર્ય છે. ઝાડ પર રહેલાં ફળો પાકી જાય છે ત્યારે વૃક્ષ તેને ત્યાગી દે છે. ગાયના થાનમાં જ્યારે દૂધ વધી જાય છે ત્યારે તે એ વાછરડાને પીવડાવે છે અથવા એ દોહી લેવામાં આવે એની રાહ જુએ છે. આ કુદરતની વ્યવસ્થા છે અને એટલે જ કહેવાય છે કે જે આપી દીધું એ જ સાથે આવે છે, જેનો સંગ્રહ કરો છો એ અહીં જ રહી જાય છે. જીવનનું કડવું સત્ય તો એ છે કે એક દિવસ એવો આવશે કે કાં તો પૈસા આપણને છોડી જતો રહેશે અથવા આપણે પૈસાને છોડીને જતા રહીશું, એવું જણાવીને તેમણે જીવનમાં ત્યાગનું મહત્ત્વ સમજાવ્યું હતું.

(તસવીરો: અમય ખરાડે)
ધર્મચર્ચા પરથી શરૂ થયેલી આ ચર્ચા માતૃભાષાના મહત્ત્વ પર જઈ પહોંચી હતી. માતૃભાષાના સંવર્ધનને લઈને મીઠી ટકોર કરતાં પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે દરેક ઘરમાં એક લાઈબ્રેરી હોવી જોઈએ. જે રીતે આપણા ઘરમાં સામાન્યપણે એક નાનકડું મંદિર હોય છે એ જ રીતે એક લાઈબ્રેરી પણ હોવી જોઈએ. ઘરમાં રહેલું મંદિર એ ઘરનું હાર્દ છે. આ લાઈબ્રેરીમાં પુસ્તકો શોભા માટે નહીં પણ વાંચવા માટે હોવા જોઈએ. બધાએ માતૃભાષાની ચિંતા કરવાની જરૂર છે. ભાષા સંસ્કૃતિનું ઘર છે. જે દિવસે આ ઘર પડશે એ દિવસે સંસ્કૃતિ પણ પડી ભાંગશે.

(તસવીરો: અમય ખરાડે)
વાંચનનું મહત્ત્વ સમજાવી ભાઇશ્રીએ કહ્યું હતું કે વાંચવાથી તમારી ક્ષિતિજો વિસ્તરે છે. આપણા અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકો વાંચતા જ હશે, એ અંગ્રેજીમાં ઘણું વાંચતા હશે. આજની પેઢીને જ્યારે તમે ગુજરાતી બોલતા સાંભળો તો એમની ગુજરાતીમાં બીજી કોઈ ભાષાનું પ્રભુત્વ જોવા મળે છે. તેઓ બોલે છે મેં એ જ સોચ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ ઉપસ્થિત ભાવિકોને પુરુષોત્તમ ઉપાધ્યાયનું  ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર ગીત લલકારીને ઉપસ્થિત ભાવિકોને માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યો હતો.

(તસવીરો: અમય ખરાડે)

આપણા હિંદુત્વ અને સનાતન ધર્મ પર આક્રમણ કરવાનો એક આખો એજન્ડા છે. એકદમ જ તબક્કાવાર આપણી સંસ્કૃતિ, ધર્મ અને સંસ્કારો પર પ્રહાર થઈ રહ્યા છે. વિદેશી ભાષામાં ભણતાં આપણા સંતાનો એના પ્રભાવ હેઠળ આવી જાય છે. જો આ આક્રમણને ખાળવું હશે તો આપણે આપણી સંસ્કૃતિ, આપણી માતૃભાષા અને આપણા સંસ્કારોનું મહત્ત્વ સમજવું પડશે.

(તસવીરો: અમય ખરાડે)

કથા સાંભળતા સાંભળતા મુક્તિ તો થઈ જ જાય...
કથા સાંભળતા સાંભળતા મુક્તિ તો થઈ જાય. એમ કહેવાય છે કે ભોજન કરીએ એમ તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધા નિવૃત્તિ થાય એમ ભગવાનની મંગલમય કથા એને સાંભળનારને એવું જ ફળ આપે છે. આપણા શાસ્ત્રકારોએ કથાને ગંગાની ઉપમા આપી છે. ગંગા એ યુગોમાં વહેતી હતી અને આજે કલિયુગમાં પણ વહે છે. સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસેય કલાક એ વહી જ રહી છે, પણ મહત્ત્વની વાત એ છે કે આપણને ગંગામાં ડૂબકી મારવાનું મન થાય છે? જો પુણ્ય હોય તો જ આવું થાય.

(તસવીરો: અમય ખરાડે)

કથા હવે ખૂબ જ સુલભ થઈ ગઈ છે:
કથા હવે ખૂબ જ સુલભ થઈ ગઈ છે. કથા દુર્લભતાની વાત તો જવા દો પણ એક ભાઈએ મને પૂછ્યું કે તમને નથી લાગતું કે હમણાં હમણાંથી કથાનો અતિરેક થઈ રહ્યો છે? બોલો. કદાચ અમે લોકો કથાનો અતિરેક કરી રહ્યા હોઈએ પણ તમે શું કરો છો? તમે ત્રણ-ત્રણ ચાર ચાર કલાક બેસીને કથા સાંભળો છો એ શું છે? કંઈક તો હશે ને આ કથામાં?
અંતમાં ભાઇશ્રીએ નંદોત્સવની ઉજવણી કરતા ભાવિકો ભાવવિભોર થઈ ગયા હતા અને રવિવારે કૃષ્ણજન્મના દિવસે વૈષ્ણવો લીન થઈ ગયા હતા એનું પુનરાવર્તન સોમવારે પણ જોવા મળ્યું હતું.  
------

(તસવીરો: અમય ખરાડે)
વિશ્વની આ પહેલી ભાગવત સપ્તાાહ હશે જેનું શીર્ષક માતૃભાષા ભાગવત સપ્તાહ છે: વૈષ્ણવાચાર્ય

મુંબઈ:  ભાગવત કથાએ વિશ્રામ લીધા પછી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શ્રી અનંત વિભૂષિત વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીને આવકાર આપી અભિવાદન કર્યું હતું. સચ્ચિદાનંદ...શ્રીકૃષ્ણાય નમ:ના સંસ્કૃત શ્ર્લોક બોલી ‘શ્રી કૃષ્ણ ક્ધહૈયાલાલ કી જય’ અને ‘વલ્લભાધીશ કી જય’ના ઘોષ સાથે ભાવિકો સમક્ષ આશીર્વચન રજૂ કર્યું હતું. મહારાજશ્રીએ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું શ્રવણ લોકો જે શ્રદ્ધા, ઉત્સાહ, પ્રેમ અને આનંદથી માણી રહ્યા છે એને બિરદાવી ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેના પ્રયાસની પ્રશંસા કરી હતી. મુખ્ય મનોરથી સૌરભ મહેતા અને સહ મનોરથી રમેશભાઈ પારેખ, મુંબઈ સમાચારની ટીમ અને હાજર વૈષ્ણવોના સહભાગને આવકાર્યો હતો.

(તસવીરો: અમય ખરાડે)
મહારાજશ્રીએ ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ની કલ્પનાનો ઉલ્લેખ કરી નીલેશ દવેને અભિનંદન આપી જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં કદાચ આ પહેલી ભાગવત સપ્તાહ હશે જેનું શીર્ષક માતૃભાષા ભાગવત સપ્તાહ છે.’ એમની આ રજૂઆતને હાજર રહેલા વૈષ્ણવોએ તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લીધી હતી.

(તસવીરો: અમય ખરાડે)
માતૃભાષા એટલે માતાની ભાષા, આપણા દેશની ભાષા એમ જણાવી મહારાજશ્રીએ આગળ ઉમેર્યું હતું કે ભારતમાં આપણે વિદેશી ભાષાને - અંગ્રેજીને વધુ પડતું પ્રાધાન્ય આપી રહ્યા છીએ, જ્યારે વિદેશના પરિવારોમાં બાળકો ગુજરાતી બોલવાને મહત્ત્વ આપી રહ્યા છે. ભાષા, ભૂષા, ભોજન અને ભણતરનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. આપણે વિનાકારણ ઝભ્ભો - પાયજામો કે ધોતી - કુર્તા છોડી જીન્સ અપનાવ્યા છે.

(તસવીરો: અમય ખરાડે)
આ આંધળું અનુકરણ છે. ભોજનમાં ઘઉં, જુવાર, બાજરીના સત્વશીલ અને આરોગ્યપ્રદ ભોજન ભૂલી બ્રેડ - પિત્ઝા જેવા હાનિકારક ખોરાક અપનાવ્યા છે. ભણતર માતૃભાષાને બદલે અંગ્રેજીમાં કરવાનો મોહ વધી રહ્યો છે. પરિણામે નવી પેઢી આપણી સંસ્કૃતિથી, આપણા મૂળિયાથી દૂર થતી જાય છે. નાના બાળકો ઈન્સ્ટ્રક્શન નહીં એક્શનને અનુસરતા હોય છે અને એટલે પિતાશ્રીને શરાબની બોટલની મજા લેતા જોઈ તેમને પણ એ રસ્તે આગળ વધવાની ઈચ્છા જાગે છે. આપણે ચેતી જવાની જરૂર છે.’

(તસવીરો: અમય ખરાડે)
માતૃભાષા ભાગવત સપ્તાહના ભગીરથ આયોજનમાં સહભાગી થવા બદલ મુખ્ય મનોરથી અને સહ મનોરથી પ્રત્યે આભાર પ્રગટ કરી મહારાજશ્રીએ ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેને દીપી ઉઠે એવા અભૂતપૂર્વ આયોજન બદલ હાર્દિક અભિનંદન આપ્યા હતા.

(તસવીરો: અમય ખરાડે)
છપ્પન ભોગ, 84 બેઠકજીના દર્શન, ગોવર્ધન પરિક્રમા-દૈનિક દર્શનના મનોરથી પરિવાર
મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ દરમિયાન છપ્પન ભોગ, 84 બેઠકજીના દર્શન, ગોવર્ધન પરિક્રમા-દૈનિક દર્શનના મનોરથી પરિવાર માતુશ્રી કલાવતી ધરણીધર ગાંધી પરિવાર (મહુવાવાળા) હસ્તે શ્રીમતી તૃપ્તિ ધર્મેશ ગાંધી પરિવાર હતાં.