Fri Apr 17 2026

Logo

‘મુંબઈ સમાચાર’ના આંગણે લોકસાહિત્યના સમ્રાટ કીર્તિદાન ગઢવીની રમઝટ, સેલેબ્રિટીઝ પણ ઝૂમી ઉઠ્યા

2026-04-08 16:16:21
Author: Devayat Khatana
Article Image

(તસવીરો: અમય ખરાડે)


મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’નો છઠ્ઠો  દિવસ અલૌકિક પ્રસંગ સમો બની રહ્યો હતો. મુંબઈના બોરીવલીનું બાળાસાહેબ ઠાકરે ક્રીડાસંકુલ જાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું માધવપુર સમું દૈદીપ્યમાન લાગી રહ્યું હતું. કારણ હતું ભગવાન શ્રીકૃષ્ણ અને મહારાણી રુક્મિણીજીનો વિવાહ પ્રસંગ. ભગવાન શ્રીકૃષ્ણના અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગમાં ભાવિકો સામેલ થયા હતા. જોકે આ સાથે જ ગઇકાલની રાત પણ જેમણે ગુજરાતી સંગીતનાં સૂર વિશ્વનાં દરેક ખૂણે ગુંજાવ્યા છે તેવા કીર્તિદાન ગઢવીના સૂરથી સોહામણી બની હતી. 

'મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના છઠ્ઠા દિવસે લોકસંસ્કૃતિ, લોકસૂર અને સ્વરાનંદનો અદ્ભુત સંગમ રચાયો હતો. ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના છઠ્ઠા દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં સૂરાવલિનો લ્હાવો લેવા ઉમટી પડેલા ગુજરાતીઓ રસતળબોળ થયા હતા. 

'મુંબઈ સમાચાર'ની આ પહેલની કીર્તિદાન ગઢવીએ આવકારી હતી, તેમણે કહ્યું હતું કે, 'મુંબઈ સમાચાર'નો આ અદભૂત કાર્યક્રમ છે, 200 વર્ષથી આપણી સાથે આ પત્ર છે અને આજે તેમણે ખૂબ મોટું કાર્ય કર્યું છે.  માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના છે કે જ્યારે પોતાની માતૃભાષા અને સાહિત્ય માટે ભાગવત સપ્તાહ જેવુ ભગીરથ કાર્ય કર્યું હોય. આ કાર્યક્રમના આયોજન બદલ તેમણે મુંબઈ સમાચારના તંત્રી નીલેશભાઈ દવે અને તેની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 

સૂરસમ્રાટ કીર્તિદાન ગઢવીએ તેના સ્વરથી અજોડ બની ગયેલા અનેક ગીતો ગાયા હતા. ગુજરાતની લોકપરંપરાની ગણપતિ સ્તુતિ 'મૂળ મહેલમાં વસે ગુણેશા'થી શરૂ થયેલા તેમના સંગીત પ્રવાહમાં 'લાલો' ફિલ્મનું મનોહર જીવ ગાયને આખા ક્રીડાસંકુલને મંત્રમુગ્ધ કરી દીધું હતું. તેમણે દીકરીઓને માટે તેનું બેજોડ સમું 'લાડકી' ગાયું હતું. આ સાથે જ તેમના ડાયરાની મોજ માણવા આવેલી જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને શ્વેતા તિવારી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ 'દ્વારકાનો નાથ મારા રાજા રણછોડ છે!'ના નાદમાં નાચ્યા પણ હતા. 'કાનુડા મોરલી વાળા રે' જેવા ગીતના સૂરમાં ગુજરાતીઓ રાસના તાલમાં મશગુલ થયા હતા. 

મોર બની થનગાટ કરે: જ્યારે કીર્તિદાનના સૂરે આખું મુંબઈ ડોલ્યું!

કીર્તિદાન ગઢવીના વીડિયોએ માત્ર ક્રીડાસંકુલમાં જ નહિ પણ સાથે જ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી હતી. 'લળી લળી પાય લાગુ મોગલ માડી' જેવા ગીતોએ પણ મોજ કરાવી હતી. 'નગર મે જોગી આયા', 'મોર બની થનગાટ કરે' તેમ જ કીર્તિદાન ગઢવીની ઓળખ સમું 'સાયબો રે ગોવાળિયો'ના સૂરોએ ગુજરાતીઓને ઘેલું લગાડ્યું હતું. તળ ગુજરાતના સૂર અને ગુજરાતી પ્રજાના ઉલ્લાસથી આખો કાર્યક્રમ અવિસ્મરણીય બની રહ્યો હતો.