મુંબઈ: મોડે મોડે આવેલા ચોમાસાએ મુશળધાર વરસીને તમામ ખાધ પૂરી કરી નાખી છે. રેડ એલર્ટ ચાલુ રહેતાં મુંબઈમાં જુલાઈ મહિનાનો સરેરાશ વરસાદ ત્રણ દિવસમાં વરસી પડયો છે. પહેલી જુલાઈથી શનિવાર વહેલી સવાર સુધીના માત્ર ત્રણ દિવસમાં શહેરમાં સમગ્ર જુલાઈ મહિનાના સરેરાશ વરસાદના અડધાથી વધુ વરસાદ પડ્યો છે. તો મોસમના આગમનના ૧૨ દિવસમાં શહેરમાં વરસાદ ૧,૦૦૦ મીમીના આંકડાને વટાવી ગયો છે.
મુંબઈમાં સામાન્ય રીતે ૧૦/૧૧ જૂનની આસપાસ ચોમાસું બેસે છે પણ આ વર્ષે ૨૩ જૂનના એટલે કે ચોમાસાની મોડી શરૂઆત થઈ હતી. મોડે મોડે પણ આવેલો વરસાદ હવે ધોધમાર પડી રહ્યો છે. પહેલી જુલાઈ, ૨૦૨૬થી ચાર જુલાઈના સવાર સુધીમાં સાંતાક્રુઝ વેધશાળાએ ૬૩૮.૪ મીમી વરસાદ નોંધ્યો છે, જ્યારે કોલાબામાં ૪૮૩.૨ મીમી વરસાદ નોંધાયો છે. મોસમના આગમનના ૧૨ દિવસમાં શહેરમાં ૧,૦૦૦ મીમી જેટલો વરસાદ પડી ગયો છે. આ શહેરના સરેરાશ જુલાઈ વરસાદના લગભગ ૫૫ ટકા જેટલો છે.
જુલાઈ સામાન્ય રીતે મુંબઈનો સૌથી વધુ વરસાદી મહિનો હોય છે, જેમાં સાંતાક્રુઝ સ્ટેશને સરેરાશ ૯૧૯.૯ મીમી અને કોલાબામાં ૭૬૮.૫ મીમી વરસાદ નોંધાય છે. તેનાથી વિપરીત જૂન મહિનામાં ઉપનગરોમાં માત્ર ૪૧૬ મીમી વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં લગભગ ૨૫ ટકાની ખાધ રહી હતી.તાજેતરના સમયગાળાએ આ અંતરને નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, ૨૩ જૂને નૈર્ઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી સાંતાક્રુઝમાં ૯૨૭ મીમી વરસાદ પડ્યો છે, જેના કારણે મુંબઈ સરેરાશ કરતા ૩૬ ટકા વધુ વરસાદ પડ્યો છે.
હવામાનશાસ્ત્રીઓએ સતત ભારે વરસાદ માટે અનેક સક્રિય હવામાન પ્રણાલીઓને જવાબદાર ગણાવી છે, જેમાં ત્રણ જુલાઈએ તીવ્ર બનેલા બંગાળની ખાડી પરના લો-પ્રેશર વિસ્તારનો સમાવેશ થાય છે. શનિવારે સવારે આઠથી બપોરે ત્રણ વાગ્યા સુધી સાત કલાકમાં વિક્રોલી અને પવઈ જેવા વિસ્તારોમાં ૨૦૫ મીમી (આઠ ઈંચ) વરસાદ નોંધાયો હતો જ્યારે જોગેશ્ર્વરી (૧૬૨ મીમી), અંધેરી પૂર્વ (૧૫૫.૨ મીમી), મલાડ (૧૪૭ મીમી) માં પણ ભારે વરસાદ નોંધાયો હતો. શહેરના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું નોંધાયું હતું, જેમાં કોલાબામાં ૭૫.૪ મિ.મી. અને વડાલામાં પંચાવન મીમી અને સાયનમાં ૬૯ મીમી વરસાદ નોંધાયો હતો.
આજે પણ સંકટ યથાવત્
હવામાન વિભાગે પાંચ જુલાઈ, રવિવાર માટે મુંબઈ, થાણે અને પાલઘર માટે રેડ એલર્ટ જારી રાખ્યું છે. રવિવારે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. ત્યારબાદ વરસાદમાં થોડો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ શહેરને તાત્કાલિક રાહત મળવાની શક્યતા નથી. છ જુલાઈએ મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવે છે પરંતુ શનિવારની સરખામણીમાં ઓછો રહેશે. જોકે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રવિવારે ફરીથી ભારે વરસાદની શક્યતા છે.