(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને સતત ચોથા દિવસે વરસાદે ઘમરોળી નાંખ્યું હતું. ગુરુવારે સવારે મુંબઈમાં ફરી એકવાર મુશળધાર વરસાદ પડ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ૨૦૦ મીમીથી (આઠ ઈંચ)થી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતા. મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન પણ ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી. બપોર બાદ વરસાદે થોડો વિરામ લીધો હતો. જોકે સાંજ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગે રવિવાર સુધી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં ભારે વરસાદની આગાહી કરી છે.
મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓમાં આ અઠવાડિયામાં સતત ચોથા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરુવારે સવારે સાત વાગ્યે રેડ અલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આખી રાત ભારે વરસાદ પડયો હોવાને કારણે વહેલી સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ૨૦૦ મિ.મી.થી પણ વધુ વરસાદ વરસી ગયો હતો.
પાલિકાના હવામાન મથકોના ડેટા મુજબ બુધવાર સવારના આઠ વાગ્યાથી ગુરુવાર સવારના આઠ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ભાંડુપ અને સાંતાક્રુઝમાં સૌથી વધુ ૨૩૯ મીમી વરસાદ નોંધાયો, ત્યારબાદ પવઈમાં ૨૩૪ મીમી, અંધેરીમાં ૨૨૫ મીમી, પરેલ અને માનખુર્દમાં ૨૨૨ મીમી, મરોલમાં ૨૧૦ મીમી અને શિવડી અને વડાલામાં ૨૦૮ મીમી વરસાદ નોંધાયો. ગુરુવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં સાંતાક્રુઝમાં ૨૦૫ મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે કોલાબામાં ૧૫૮ મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદ અને પવનને કારણે અનેક ઠેકાણે ૯૧થી વધુ ઝાડ તૂટી પડવાના અને શોર્ટ સર્કિટના બનાવ નોંધાયા હતા, જેમાં સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં રિલીફ રોડ પર રહેજા કોલેજની બાજુમાં ખાનગી બિલ્િંડગના પરિસરમાં એક ઝાડની તપાસ કરવા માટે ત્યાં કર્મચારી ગયો તો ત્યારે ઝાડ તેના પર તૂટી પડયું હતું. આ ઘટનામાં આઠ લોકો જખમી થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જખમીમાં ૨૬ વર્ષનો નૂર આલમ, ૫૧ વર્ષનો રાજેશ કુડાળ, ૩૮ વર્ષનો વિનય કદમ, ૨૮ વર્ષનો સુલેમાન શેખ, ૪૬ વર્ષનો વિનોદ ભટ, ૨૮ વર્ષનો દેવર્ષી સિંહ, ૨૮ વર્ષનો જગદીશ નિકમ અને ૬૭ વર્ષના નિલાદ તુળેનો સમાવેશ થાય છે. તમામ લોકો પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તેમની તબિયત સ્થિર છે.