(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને છેલ્લા એક પખવાડિયાથી ભીંજવી રહેલા વરસાદે આખરે વિરામ લીધો હતો. ગુરુવારે દિવસના બે-ચાર હળવાં ઝાપટાં સિવાય આખો દિવસ લગભગ કોરો રહ્યોહ તો અને સૂર્યનારાયણના દર્શન પણ થયાં હતાં. હવામાન વિભાગે આજે પણ હળવાથી મધ્યમ સ્વરૂપના વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં ૨૪ જૂનના ચોમાસાનું આગમન થયું છે ત્યારથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે જ છેલ્લા બે દિવસમાં મુંબઈને પાણી પૂરું પાડનારું વિહાર અને તુલસી તળાવ પણ છલકાઈ ગયા હતા. સતત વરસાદને પગલે કંટાળી ગયેલા મુંબઈગરાએ જોકે ગુરુવારે તડકો પડતા થોડી રાહત અનુભવી હતી.
મુંબઈમાં બુધવાર સવારના આઠ વાગ્યાથી ગુરુવાર સવારના આઠ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબામાં ૩.૦ મિ.મી. તો સાંતાક્રુઝમાં ૧.૨ મિ.મી. જેટલો મામૂલી વરસાદ નોંધાયો હતો. તો આ જ સમયગાળામાં દક્ષિણ મુંબઈમાં સરેરાશ ૧૪.૨૧ મિ.મી., પૂર્વ ઉપનગરમાં ૩.૩૭ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૨૮.૮૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
ગુુરુવારે વરસાદે વિરામ લીધો હતો અને દિવસના તડકો પણ નીકળ્યો હતો પણ છેલ્લા આઠ-નવ દિવસ દરમ્યાન મુશળધાર વરસાદ પડયો હતો. મુંબઈમાં મોસમનો સરેરાશ લગભગ ૬૧.૪૮ ટકા વરસાદ છેલ્લા દસેક દિવસમાં જ પડી ગયો છે.
ભારતીય હવામાન વિભાગે શુક્રવાર માટે સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને વચ્ચે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. જોકે છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં વીજળી, ગાજવીજ અને ક્યારેક ક્યારેક ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.