મુંબઈ: મહારાષ્ટ્રમાં નવનિર્મિત મુંબઈ-પુણે એક્સપ્રેસવેની નવી મિસિંગ લિંક ચોમાસાની ઋતુમાં નૈસર્ગિક સૌંદર્યથી સોળે કળાએ ખીલી ઉઠી છે. લોનાવાલા-ખંડાલા નજીકના આ માર્ગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લીલાછમ સહ્યાદ્રીના પહાડો, વાદળો અને ધુમ્મસ વચ્ચે વહેતા પાણીના ધોધ જોવા મળી રહ્યા છે.
સતત વરસાદને કારણે માર્ગની આસપાસ આવેલા પહાડો પરથી અનેક નાના-મોટા ધોધ વહેતા જોવા મળે છે. વરસાદી વાદળો અને ધુમ્મસથી ઢંકાયેલા આ પહાડોનું આ દૃશ્ય એટલું મનમોહક છે કે સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘સ્વર્ગ’ સમાન ગણાવી રહ્યા છે.
Newly inaugurated Mumbai–Pune Missing Link on a rainy day What a mesmerizing sight!#missinglink #mumbai #pune #lonawala pic.twitter.com/LrL9NeqIC8
— Chetna Raja (@ChetnaRaja) August 10, 2026
મિસિંગ લિંક માવળના પર્વતીય વિસ્તારમાંથી પસાર થાય છે, જે ચોમાસામાં હરિયાળી, ખીણો અને ધોધ માટે જાણીતો છે. નવો માર્ગ લાંબી ટનલ, એલિવેટેડ માર્ગ અને કેબલ-સ્ટેઇડ બ્રિજ જેવી આધુનિક સુવિધાઓ સાથે આ કુદરતી નજારાને વધુ વિશેષ બનાવે છે.
ખોપોલી-કુસગાંવ કનેક્ટિંગ લિંક તરીકે વિકસાવાયેલ આ માર્ગ 13.3 કિમી લાંબો છે અને આશરે રૂ. 6,695 કરોડના ખર્ચે બનાવાયો છે. તેમાં 10.55 કિમીની બે મુખ્ય ટનલ અને 650 મીટર લાંબો કેબલ-સ્ટેન્ડિંગ બ્રિજ સામેલ છે. તેનો મુખ્ય હેતુ ખંડાલા-લોનાવાલાના જોખમી ઘાટ માર્ગને બાયપાસ કરવાનો છે.
જોકે, ચોમાસા દરમિયાન આ પર્વતીય વિસ્તારમાં વાહનચાલકોએ સાવચેતી રાખવી પણ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે ગત છ જુલાઈએ ટનલ-2 નજીક ભૂસ્ખલન થતાં મિસિંગ લિંક પર વાહનવ્યવહાર 18 કલાકથી વધુ સમય માટે અસરગ્રસ્ત થયો હતો. હાલના વાયરલ દૃશ્યોએ મિસિંગ લિંકને ઝડપી મુસાફરીના માર્ગ ઉપરાંત ચોમાસાના મનમોહક નજારા માટે પણ ચર્ચામાં લાવી દીધો છે.