Sun Jun 28 2026

Logo

મોહરમના જુલૂસમાં ઝેરી કૅપ્સ્યૂલ્સ: કાવતરાને અંજામ આપવા પખવાડિયાથી ચાલતી હતી તૈયારી

2026-06-28 22:09:58
Author: Yogesh D. Patel
Article Image

પુણેમાં આરોપીના પરિવારજનોની પોલીસે કરી પૂછપરછ: ઝિંક ફોસ્ફાઇડના સપ્લાયરની શોધ શરૂ 

મુંબઈ: દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારથી પસાર થનારા મોહરમના જુલૂસ વખતે હજારો લોકોને મોતના મુખમાં ધકેલી દેવાના કાવતરાને અંજામ આપવા માટે પખવાડિયાથી તૈયારી ચાલી રહી હતી, એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ કાવતરાની તપાસ કરી રહેલી પોલીસની ટીમે પુણેમાં આરોપી ફૈયાઝ પ્રેમજીના ઘરે જઇને તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી, જ્યારે બીજી ટીમ ઝિંક ફોસ્ફાઇડના સપ્લાયરની શોધ ચલાવી રહી છે. 

ભાયખલા આરોપી ફૈયાઝ પ્રેમજીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં તેને બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ફૈયાઝે મુંબઈ બહારથી ઝિંક ફોસ્ફાઇડ ખરીદ્યું હતું. તેની પાસેથી જપ્ત કરાયેલી 14,900 કૅપ્સ્યૂલ્સ તપાસ માટે કલિના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડોંગરીના ગેસ્ટ હાઉસમાં રહેનારા ફૈયાઝે 30,000 ખાલી કૅપ્સ્યૂલ્સ તેમ જ પચાસ કિલો ઝિંક ફોસ્ફાઇડ ઓનલાઇન મગાવ્યા હતા. જોકે આરોપી બધી કૅપ્સ્યૂલ્સમાં ઝિંક ફોસ્ફાઇડ (ઉંદર મારવાનુ ઝેર) ભરી શક્યો નહોતો. 

ઇરાન-ઇરાકમાં અનેક વાર જઇ આવેલા ફૈયાઝે ઇરાકમાં બે મહિના નોકરી કરી હતી અને થોડા દિવસો અગાઉ ત્યાંથી પાછો ફર્યો હતો. ફૈયાઝ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું લાગી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ મામલાની  તપાસ કરી રહી છે.

ગોવંડીમાં રહેતા અને બેગ બનાવવાના કારખાનામાં કામ કરતા ફરિયાદી સલમાન સૈયદ મોહરમના જુલૂસમાં માતમ કરવા માટે શુક્રવારે ડોંગરી આવ્યો હતો. જુલૂસમાં સામેલ સલમાન રાતના થોડા સમય માટે એક સ્થળે બેઠો હતો ત્યારે બુરખો પહેરેલી મહિલા તેની પાસે આવી હતી અને તેણે તેને કૅપ્સ્યૂલ્સ આપી હતી. 

કૅપ્સ્યૂલ્સ વિશે સલમાને પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે જુલૂસમાં તેને અજાણી વ્યક્તિએ આપી હોવાનું કહ્યું હતું. કેપ્સ્યૂલ્સ ગળ્યા બાદ ગોવંડી ગયેલા સલમાનને વચ્ચે ઊલટી આવી હતી. ઘરે પહોંચેલા સલમાનને બેચેની લાગી હતી અને ઊંઘ આવતી ન હોવાથી તેણે પરિવારને આની જાણ કરી હતી અને બાદમાં ઇમામવાડા ખાતે રહેતા સમુદાયના લોકોનો સંપર્ક કર્યો હતો, જેમણે તેને ડોંગરી વિસ્તારમાં આવીને ત્યાંની હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી હતી. સારવાર બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.