Thu Aug 27 2026

Logo

ડાન્સ બાર દ્વારા ઉપયોગમાં લેવાતી છટકબારીઓ બંધ કરવા સરકાર મુંબઈ પોલીસ એક્ટમાં સુધારો કરશે

2026-06-30 17:48:04
Author: Vipul Vaidya
ડાન્સ બાર દ્વારા ઉપયોગમાં લેવાતી છટકબારીઓ બંધ કરવા સરકાર મુંબઈ પોલીસ એક્ટમાં સુધારો કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડાન્સ બાર અંગેના આકરા નિયંત્રણોમાંથી બચવા માટે ડાન્સબાર દ્વારા ઉપયોગમાં લેવાતી છટકબારીઓને બંધ કરવા માટે રાજ્ય સરકાર મુંબઈ પોલીસ એક્ટમાં આ જ ચોમાસુ સત્રમાં સુધારા કરશે એવી માહિતી રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં આપી હતી. ફડણવીસે એવી માહિતી આપી હતી કે પ્રસ્તાવિત સુધારો સુનિશ્ર્ચિત કરશે કે જે સંસ્થાનો આવા ‘પરફોર્મન્સ’ કરાવતા હશે તેમને ડાન્સ બાર પર નિયંત્રણ રાખવા માટેના નિયમો હેઠળ જ લાઈસન્સ આપવામાં આવશે, જેમાં આકરા નિયમો રાખવામાં આવ્યા છે. 

વર્તમાન કાયદામાં રહેલી છટકબારીનો ઉપયોગ કરીને ઓપરેટરો ડાન્સ બારને બદલે અન્ય કાયદા હેઠળ લાઈસન્સ મેળવે છે. અમે એવો સુધારો લાવી રહ્યા છે કે આવા લાઈસન્સ ફક્ત સુધારિત મુંબઈ પોલીસ એક્ટ હેઠળ જ આપી શકાશે. તેઓ છટકબારીઓ શોધી કાઢે છે અને અમે તેને બંધ કરતા જઈશું, એમ તેમણે જણાવ્યું હતું. થાણે જિલ્લામાં ડાન્સ બાર ચાલી રહ્યા હોવા અંગે કૉંગ્રેસના નાના પટોલે દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા મુદ્દા પર મુખ્ય પ્રધાન જવાબ આપી રહ્યા હતા. 

મોટા અવાજે વાગતા ડીજે અને ધ્વનિ પ્રદૂષણ બાબતે ફડણવીસે કહ્યું હતું કે વર્તમાન ધ્વનિ પ્રદૂષણના કાયદા હેઠળ પરવાનગીઓ આપવામાં આવે છે અને ઉલ્લંઘ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.