Sat Aug 29 2026

Logo

મુંબઈ કોસ્ટલ રોડ: વર્સોવા-ભાયંદર વચ્ચે ટનલનું ખોદકામ આવતા વર્ષે શરૂ થશે

2026-08-27 08:10:00
Author: Sapna Desai
મુંબઈ કોસ્ટલ રોડ: વર્સોવા-ભાયંદર વચ્ચે ટનલનું ખોદકામ આવતા વર્ષે શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાત ફેઝમાં બનાવવામાં આવી રહેલા મુંબઈ કોસ્ટલ રોડ(ઉત્તર) પ્રોજેક્ટ હેઠળ વેસાવે (વર્સોવા)-ભાયંદર એકબીજા સાથે જોડાઈ જવાના છે, જેમાં ચોથા ફેઝમાં મલાડથી ચારકોપ ખાડી વચ્ચે ટ્વિન ટનલ બનાવવામાં આવવાની છે. ટનલના ખોદકામ માટે ટીબીએમ મશીનના છૂટ્ટા ભાગ ડિસેમ્બરમાં ઉપલબ્ધ થયા બાદ છેક માર્ચ મહિનાથી ટનલનું ખોદકામ શરૂ થાય એવી શકયતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી હતી.

મુંબઈ મહાનગરમાં ઝડપી ટ્રાફિક માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૬૦ કિલોમીટર  લાંબો મુંબઈ કોસ્ટલ રોડ(ઉત્તર) મેગા પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં વેસાવે (વર્સોવા)-ભાયંદર એકબીજા સાથે જોડાઈ જશે. તેથી અત્યારે ૯૦થી ૧૨૦ મિનિટનો પ્રવાસ ફકત ૧૫થી ૨૦ મિનિટમાં પાર કરવું શક્ય બનવાનું છે.

આ મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર)નું કામ એ,બી, સી, ડી, ઈ, એફ અને દહિસર-ભાયંદર લિંક રોડ એમ કુલ સાત પેકેજમાં વહેંચી દેવામાં આવ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડબલ એલિવેટેડ રોડ, મેનગ્રોવ્ઝ વિસ્તારમાં એલિવેટેડ રોડ, બે કેબલ આધારિત બ્રિજ, ચાર બાસ્કેટ બ્રિજ અને લગભગ ૧૫ મીટર વ્યાસની બે ટ્વિન ટનલ સહિત ૧૦ ઈન્ટરચેન્જ જેવી વિવિધ પાયાભૂત સુવિધા ઊભી કરવામાં આવવાની છે.

પેકેજ સીમાં માઈન્ડસ્પેસ મલાડથી ચારકોપ ખાડી દરમ્યાન  ઉત્તર દિશામાં જતી ૩.૯ કિલોમીટર લાંબી ટનલ અને પેકેજ ડીમાં ચારકોપ ખાડીથી માઈન્ડ સ્પેસ મલાડ દરમ્યાન દક્ષિણ દિશામાં જનારી ૩.૯ કિલોમીટર લાંબી ટિવન ટનલનો સમાવેશ થાય છે. એડિશનલ કમિશનર અભિજિત બાંગરે બુધવારે સાઈટ પર ઈન્સ્પેકશન દરમ્યાન કામ ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

પાલિકાના રોડ અને ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ચારકોપમાં ટનલના બાંધકામ માટે શાફ્ટ ઊભા કરવામાં આવવાના છે, તે માટે ૬૫ મીટર બાય ૪૦ મીટર ક્ષેત્રફળની જગ્યા પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોઈ પાયલિંગનું કામ શરૂ છે. ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના છૂટા ભાગ ડિસેમ્બર, ૨૦૨૬માં ઉપલબ્ધ થયા બાદ બે મહિનામાં તેના છૂટા ભાગને જોડવામાં આવશે અને ત્યારબાદ ખોદકામ શરૂ થાય એવી અપેક્ષા છે. તો આગામી જૂન મહિનામાં બીજા ટીબીએમના છૂટ્ટા ભાગોને જોડીને બીજી ટનલનું ખોદકામ શરૂ કરવાનું આયોજન છે.