Tue Aug 18 2026

Logo

મહારાષ્ટ્રમાં ખાડાનો કહેર: ભિવંડી રેસ્ક્યુ ઓપરેશનના રિયલ હીરોનું ખાડાના કારણે અકસ્માતમાં મોત

2026-08-04 15:47:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના લીધે રાજ્યભરમાં ખાડાની સમસ્યા વકરી રહી છે. ખાડાના કારણે અનેક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ખાડાને કારણે થાણેના ટીડીઆરએફ (થાણે ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ)ના જવાને જીવ ગુમાવ્યું હતું. મૃતક જવાનની ઓળખ વિકાસ લહુ ગોરે (31 વર્ષ) પોતાના કામકાજ માટે નીકળ્યા હતા ત્યાં તેનું શાહપુર તાલુકામાં ભારંગી નદીના પુલ પાસે એક ખાડામાં બાઈક ફસાતા અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

વિકાસ ગોરે સોમવારે સવારે ડ્યૂટી પર જવા માટે ઘરેથી નીકળ્યો હતો. મુંબઈ-નાશિક હાઈવે પર શહાપુર તાલુકામાં ભારતી નદીના પુલ પરથી પસાર થતી વખતે બુલેટનું ટાયર ખાડામાં ગયું હતું જેને કારણે તેને કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર પટકાયા પછી ડિવાઈટર સાથે ભટકાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પછી સ્થાનિકોએ તેને તાત્કાલિક શાહપુર હોસ્પિટલમાં સારવારાર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

મળતી વિગતો અનુસાર થોડા દિવસો અગાઉ તેમણે ભિવંડીમાં કોહિનૂર બિલ્ડિંગ દુર્ઘટનામાં અન્ય લોકોના બચાવ માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. જો કે અન્ય લોકોના જીવ બચાવી રહેલા આ જવાનનો જીવ હાઇ-વે પરના ખાડાના લીધે ગયો હતો. આ ઘટનાના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે અને ખાડાઓના મામલે એકવાર ફરી લોકો રોષે ભરાયા છે. 

કોહિનૂર બિલ્ડિંગ દુર્ઘટનામાં 10 લોકોના થયા હતા મોત
ગયા ગુરુવારે ભિવંડીમાં રાતના કોહિનૂર નામની ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થતા 10 લોકોના મૃત્યુ થયા હતા. કાટમાળમાં ફસાયેલા 10 લોકોના મૃતદેહને એનડીઆરએફે શુક્રવારે સાંજ સુધીમાં બહાર કાઢી લીધા હતા. જેને બાદમાં ભિંવડી સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ સ્થાનિકોએ દાવો કર્યો હતો કે છેલ્લા અમુક દિવસોથી આ જૂની બિલ્ડિંગમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. કોન્ટ્રાક્ટર અને મજૂરોએ સમારકામ દરમિયાન બિલ્ડિંગના 3 પિલર તોડી નાખ્યા હતા, જેથી ઇમારત નબળી પડી જતા સંતુલન બગડ્યું હતું અને બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. મોટા ભાગના સ્થાનિકો સમયસર બહાર નીકળી જતા પોતાનો જીવ બચાવી શક્યા હતા.