Thu Aug 20 2026

Logo

મુંબઇ-નાશિક હાઇવે પર હિટ એન્ડ રન: બે રિક્ષાચાલકનાં મોત

2026-03-09 18:45:00
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં હાઇવે પર સોમવારે અજાણ્યા વાહનેે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બે રિક્ષાચાલકનાં મોત થયાં હતાં. અકસ્માત બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થતાં પોલીસે તેની શોધ આદરી હતી.
મુંબઈ-નાશિક હાઇવે પર બાપગાંવ ખાતે સોમવારે આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા બંને રિક્ષાચાલકની ઓળખ રાજકુમાર ગુપ્તા (40) અને મહેન્દ્ર કેસરવાની (39) તરીકે થઇ હતી, જેઓ ભિવંડીના રહેવાસી હતા.

બંને જણ સોમવારે એક રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે પાછળથી અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. વાહનની ટક્કરથી બંને જણ બહાર ફેંકાઇને રસ્તા પર પટકાયા હતા અને ગંભીર ઇજા પામ્યા હતા. અકસ્માતમાં રિક્ષાનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

દરમિયાન ઘવાયેલા બંને રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં સામેલ વાહનને ઓળખી કાઢવા પોલીસ હાઇવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઇ)