Sun Jun 28 2026

Logo

રાજ્યમાં પહેલી જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થશે: હવામાન વિભાગનો અંદાજો

2026-06-28 22:36:34
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયે નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ ૨૪ કલાક દરમ્યાન મુશળધાર વરસીને વરસાદ ગાયબ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગના કહેવા મુજબ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઈ સહિત રાજ્યના પશ્ર્ચિમ કિનારાપટ્ટી પર ચોમાસું  ફરી સક્રિય થશે અને વરસાદનું જોર વધશે.મુંબઈ સહિત રાજ્યમાં ગયા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થયા બાદ મુંબઈ અને કોંકણપટ્ટીમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જોકે, ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો.

છેલ્લા એકાદ-બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ સૂકું રહ્યું છે. જોકે હવામાન વિભાગે આગામી દિવસમાં એટલે કે પહેલીથી ચોથી જુલાઈ દરમ્યાન રાજયના કોંકણપટ્ટીમાં વરસાદનું જોર વધવાનો અંદાજો વ્યક્ત કર્યો છે, જેમાં રવિવારથી મધ્યમથી મુશળધાર વરસાદના ઝાપટાં પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દક્ષિણ કોંકણની સાથે જ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અમુક વિસ્તારનો પણ સમાવેશ થાય છે.

આ દરમ્યાન વરસાદની ગેરહાજરીમાં મુંબઈમાં તાપમાનમાં ફરી હળવો વધારો નોંધાયો હતો. જૂન મહિનો પૂરો થવાનો છે, છતાં મુંબઈ સહિત રાજ્યમાં સંતોષજનક વરસાદ પડયો નથી. પહેલીથી ૨૭ જૂન દરમ્યાન રાજ્યમાં સરેરાશ ૫૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

જૂન મહિનો ૧૪૬ વર્ષમાં સૌથી કોરો
જૂન મહિના પૂરો થવાનો છે ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂન અંત સુધીમાં ભારતમાં વરસાદની ૪૩ ટકા ખાધ રહી છે. ચાર જૂનના ચોમાસું કેરળમાં દાખલ થયું હતું ત્યારબાદ ધીમે ધીમે જૂન અંત સુધીમાં મોસમી પવનો સંપૂર્ણ દેશમાં પહોંચવા જોઈતા હતા પણ હજી પણ દેશના અનેક વિસ્તારોમાં સૂકું અને આકાશ ચોખ્ખું છે. મધ્ય ભારતમાં વરસાદની ૫૯ ટકા ખાધ રહી છે. ગુજરાતમાં ૮૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. તો મહારાષ્ટ્રમાં સરેરાશ ઓછોે વરસાદ નોંધાયો છે, જૂન ૨૦૨૬ છેલ્લાં ૧૪૬ વર્ષનો સૌથી સૂકો મહિનો રહ્યો છે.

ચોમાસું નબળું કેમ રહ્યું ?
આ વર્ષે ચોમાસાને અસર કરનારા અનેક કારણ રહ્યા છે, જેમાં ‘મૅડેન જ્યુલિઅન ઓસ્કિલેશન’ (એમજેઓ) પહેલું કારણ છે. દર ૩૦થી ૬૦ દિવસે વિષુવવૃત્ત ફરતે નિર્માણ થનારા વાદળ અને વાદળી પવનોને એમજેઓ કહેવાય છે. તે હિંદ મહાસાગરમાં દાખલ થવાથી ભારતમાં ચોમાસું સક્રિય થાય છે પણ આ વખતે જૂન મહિનામાં આ પટ્ટો ભારતથી દૂર ગયો હતો. એ બાદ ‘સોમાલી જેટ’ની અસર ચોમાસાને થઈ છે. ‘સોમાલી જેટ’ પૂર્વ આફ્રિકાથી વિષુવવૃત્ત પર પ્રવાસ કરે છે. અરબી સમુદ્રનો ભેજ ભારત સુધી લઈ આવે છે પણ આ વખતે ‘સોમાલી જેટ’ પણ નબળો રહ્યો.

ચોમાસાનું મહત્ત્વનું પરિબળ જ નબળુ રહેતા તેને કારણે દેશભરના ચોમાસાને અસર થઈ હતી. વાયવ્ય અને પશ્ર્ચિમ એશિયાથી ફૂંકાતા સૂકા અને ઉષ્ણ હવાને કારણે મધ્ય ભારતના વાદળો પર પડદો ઢંકાઈ ગયો હતો, તેને કારણે મોસમી પવનો ફંટાઈ ગયા. ચોથું કારણ એટલે કે તટસ્થ દ્વિધ્રુવ. હિંદ મહાસાગર દ્વિધ્રુવ (આઈઓડી) એ એક આબોહવા ઘટના છે જે હિંદ મહાસાગરના બે ધ્રુવો (ઇન્ડોનેશિયા નજીક પૂર્વીય ધ્રુવ અને અરબી સમુદ્ર નજીક પશ્ર્ચિમી ધ્રુવ) વચ્ચે સમુદ્ર સપાટીના તાપમાનમાં તફાવત દ્વારા વ્યાખ્યાયિત થાય છે.

તે પણ તટસ્થ રહેતા કોઈ દિશાથી નૈર્ઋત્યના ચોમાસાને આગળ વધવામાં મદદ મળી નહીં. પાંચમું અને છેલ્લુ કડારણ એટલે બંગાળનો ઉપસાગર. આ વખતે બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણના પટ્ટા નિર્માણ થયા નહીં.  ભારતના આંતરિક વિસ્તારમાં વરસાદ પહોંચ્યો જ નહીં. એ સિવાય મહત્ત્વનું એટલે કે એલ નિનો ફેકટર પણ નબળા ચોમાસા માટે જવાબદાર ગણાય છે.