Wed Sep 09 2026

Logo

Good News: મોનોરેલ ફરી શરૂ થવા તૈયાર: જાણો નવું ભાડું અને ક્યારથી દોડશે ટ્રેન

2026-06-24 20:34:16
Author: Mumbai Samachar Team
Good News: મોનોરેલ ફરી શરૂ થવા તૈયાર: જાણો નવું ભાડું અને ક્યારથી દોડશે ટ્રેન

મુંબઈ: નવ મહિનાના અંતરાલ પછી ટૂંક સમયમાં મોનોરેલ ટ્રેન સર્વિસ ફરી શરૂ થવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને રેલ ફરી દોડતી કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ બાબતથી વાકેફ અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે મંજૂરી મળી ગઈ છે. જોકે, ફરી શરૂ કરવાની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

ગયા વર્ષે ચોમાસા દરમિયાન જીવ જોખમમાં મૂકનારી અનેક ટેકનિકલ ખામીઓને પગલે ચેમ્બુર અને સંત ગાડગે મહારાજ ચોક (જેકબ સર્કલ) વચ્ચેના ૧૯.૫૪ કિમી લાંબા મોનોરેલ કોરિડોર પરની ટ્રેન સર્વિસ સપ્ટેમ્બર ૨૦૨૫માં બંધ કરવામાં આવી હતી.

એ સમયથી નેટવર્કમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. મેટ્રો રેલવે સેફ્ટીના નિવૃત્ત કમિશનર પીએસ બઘેલ દ્વારા સલામતી નિરીક્ષણના અંતિમ રાઉન્ડ પછી આ મહિનાની શરૂઆતમાં મોનોરેલ ચલાવવા માટે જરૂરી પ્રમાણપત્ર મળ્યું હતું. ત્યાર બાદ નવી ટેકનોલોજી સાથે ટ્રેન સર્વિસ શરૂ કરવાનો પ્રસ્તાવ મહારાષ્ટ્ર સરકારને મંજૂરી માટે સુપરત કરવામાં આવ્યો હતો.

એમએમઆરડીએ દ્વારા નવી ટ્રેનો ખરીદવાના ખર્ચ અને જાળવણી ખર્ચમાં વધારો કરવા માટે ટિકિટના ભાવમાં વધારો કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત હેઠળ, 3 કિમી સુધીની મુસાફરી માટે નવું લઘુત્તમ ભાડું ₹ 5થી વધારીને ₹ 10 થવાની શક્યતા છે. 

3-6 કિમી માટે, ભાડું ₹20 પ્રસ્તાવિત છે, ત્યારબાદ 6-9 કિમી માટે ₹ 30, 9-12 કિમી માટે ₹ 40, 12-15 કિમી માટે ₹ 50, 15-18 કિમી માટે ₹ 60 અને 18 કિમી અને તેથી વધુ માટે ₹ 70 છે. જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે, તો 2014માં મુંબઈ મોનોરેલના લોન્ચ પછી આ બીજો ભાડા ફેરફાર હશે.