Thu Apr 23 2026

Logo

મુંબઈ મેટ્રો લાઇન 9 અને 2B શરૂ: મીરા-ભાયંદર અને માનખુર્દ વચ્ચેની મુસાફરી સરળ બની

2026-04-08 21:25:21
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મુંબઈ મેટ્રો કોરિડોર 9 અને 2Bના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યાના એક દિવસ પછી આજે સવારે કામગીરી શરૂ થઈ ગઈ છે. મેટ્રો 9 મેટ્રોપોલિટન રિજનમાં મુંબઈના ઉપનગર અને થાણે શહેરના એક ભાગ વચ્ચે પ્રથમ સીધી કનેક્ટિવિટી છે, જ્યારે લાઇન 2B મુંબઈમાં હાર્બર લાઇનમાં પ્રથમ મેટ્રો કનેક્ટિવિટી પ્રદાન કરશે.

મેટ્રો લાઇન 9ના 5.6-કિમીના એલિવેટેડ ફેઝ 1માં ચાર સ્ટેશનનો સમાવેશ થાય છે - દહિસર પૂર્વ, પાંડુરંગવાડી, મીરાગાંવ અને કાશીગાંવ. મેટ્રો લાઇન 2B ના 5.53-કિમીના ફેઝ 1માં પાંચ સ્ટેશન છે, જેમાં દેશભક્ત એનજી આચાર્ય ઉદ્યાન (ડાયમંડ ગાર્ડન), છત્રપતિ શિવાજી મહારાજ ચોક, દેવનાર, માનખુર્દ અને મહારાષ્ટ્ર નગર મંડાલેનો સમાવેશ થાય છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અનુસાર, લાઈન 9 ને કારણે થાણે જિલ્લાના મીરા-ભાયંદર અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય એકથી બે કલાકથી ઘટીને લગભગ 30 મિનિટ થવાનો અંદાજ છે. 6,607 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ,આ રૂટ દક્ષિણ મુંબઈને અન્ય લાઈન સાથે ઇન્ટરલિંક કરીને સરળ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

બે નવી લાઇનોના ઉમેરા સાથે, મુંબઈનું કાર્યરત મેટ્રો નેટવર્ક છ કોરિડોર સુધી વિસ્તર્યું છે, જેમાં લાઇન 1 (ઘાટકોપર-અંધેરી-વર્સોવા), લાઇન 2A (અંધેરી પશ્ચિમ-દહિસર પૂર્વ), લાઇન 7 (દહિસર પૂર્વ-અંધેરી પૂર્વ) અને ભૂગર્ભ લાઇન 3 (કોલાબા-બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ-SEEPZ)નો સમાવેશ થાય છે.

એમએમઆરડીએ મુજબ, લાઇન 2A અને લાઇન 7 માટે સુધારેલ સમયપત્રક બુધવારથી અમલમાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ફ્રિક્વન્સી સુધારવાનો છે. લાઇન 9ના ઉદ્ઘાટન સાથે મેટ્રો લાઇન 2A હવે અંધેરી પશ્ચિમ અને દહિસર પૂર્વ વચ્ચે એક સ્વતંત્ર કોરિડોર તરીકે કાર્ય કરશે, જેમાં સવારે 5.50 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર છ મિનિટે ટ્રેનો દોડશે.

19.79 કિમી લાંબા ઇન્ટિગ્રેટેડ લાઇન 7-9 કોરિડોર (ગુંદાવલીથી કાશીગાંવ) સવારે 5.50 થી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે, જેની પીક ફ્રીક્વન્સી છ મિનિટથી ઓછી હશે અને અઠવાડિયાના દિવસોમાં 276 સેવાઓ ઉપલબ્ધ રહેશે. મેટ્રો લાઇન 2B (ફેઝ 1) સેવાઓ સવારે 6 વાગ્યે શરૂ થશે અને લગભગ સાડા નવ મિનિટના અંતરાલ સાથે રાત્રે 10.30 વાગ્યા સુધી ચાલશે, જેમાં દરરોજ 209 સેવાઓનું સંચાલન થશે.

એમએમઆરડીએએ જણાવ્યું હતું કે લાઇન 7 ને લાઇન 9 સાથે એકીકરણ કરવાથી અંધેરી પૂર્વથી મીરા-ભાયંદર સુધી સીધી કનેક્ટિવિટી શક્ય બનશે, જ્યારે લાઇન 2A અને 7 અલગ કોરિડોર તરીકે કાર્ય કરશે. દહિસર સ્ટેશન પર એક ઇન્ટરચેન્જ સુવિધા મુસાફરોને "પેઇડ" (ટિકિટ સાથે) વિસ્તારમાંથી બહાર નીકળ્યા વિના લાઇન 2A અને 7 પર જવાની સુવિધા આપશે.