મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. 23મી જૂનની રાત્રે ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેનમાં એક 22 વર્ષના યુવક પર ચપ્પુ વડે હુમલો કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ મામલે પશ્ચિમ રેલવે દ્વારા સમગ્ર ઘટનાક્રમની સત્તાવાર અને વિગતવાર ટાઈમલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં રેલવેએ દાવો કર્યો છે કે ઘટનાની જાણ થતાં જ આરપીએફ, જીઆરપી અને મેડિકલ ટીમે કોઈ પણ પ્રકારના વિલંબ વિના ઈજાગ્રસ્ત મુસાફરને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, 23મી જૂનની રાત્રે ભારે વરસાદ દરમિયાન ટ્રેન સંખ્યા 90663 (ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ)માં મુસાફરી કરી રહેલા 22 વર્ષીય મયંક લોહાર અને અન્ય એક અજાણ્યા મુસાફર વચ્ચે ફર્સ્ટ ક્લાસના કોચનો દરવાજો બંધ કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અંધેરી અને બોરીવલી સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાં આ વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં આવીને આરોપીએ મયંક પર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેના કારણે મયંક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, રાતે 11.04 વાગ્યે જ્યારે લોકલ ટ્રેન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પહોંચી, ત્યારે ટ્રેન સંપૂર્ણપણે ઊભી રહે તે પહેલાં જ તકનો લાભ ઉઠાવીને આરોપી ટ્રેનમાંથી કૂદીને ભાગી છૂટ્યો હતો.
Western Railway’s Prompt Response to the Borivali Local Train Incident
— Western Railway (@WesternRly) June 24, 2026
Following the unfortunate stabbing incident onboard Churchgate–Nallasopara Fast Local (Train No. 90663) on 23 June 2026, Western Railway staff, RPF, GRP personnel and medical teams, responded swiftly upon the… https://t.co/MsNmFj8Ili
પશ્ચિમ રેલવે દ્વારા જાહેર કરાયેલી મિનિટે-મિનિટની ટાઈમલાઈન:
રાતે 11.04 વાગ્યે: ટ્રેન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર આવીને ઊભી રહી.
રાતે 11.07 વાગ્યે: ટ્રેન આવ્યાની માત્ર ૩ જ મિનિટમાં જીઆરપી અને આરપીએફના જવાનો ઈજાગ્રસ્ત મુસાફરની મદદે કૉચમાં અંદર પહોંચી ગયા.
રાતે 11.10 વાગ્યે: રેલવેના પોર્ટર, સ્ટ્રેચર અને ઈમરજન્સી મેડિકલ આસિસ્ટન્સ ટીમ પ્લેટફોર્મ પર હાજર થઈ ગઈ.
રાતે 11.12 વાગ્યે: ઈજાગ્રસ્ત મયંક લોહારને ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્રેનમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર માટે લઈ જવાયો.
રાતે 11.22 વાગ્યે: મયંકને બોરીવલી સ્ટેશન પર આવેલા ઈમરજન્સી મેડિકલ રૂમમાં દાખલ કરાયો, જ્યાં ડૉક્ટરે તાત્કાલિક તેની તપાસ શરૂ કરી.
રાતે 11.22થી 11.42 વાગ્યેઃ રેલવે, આરપીએફ અને જીઆરપીના ઉચ્ચ અધિકારીઓએ ઘાયલ મુસાફરને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા કરી.
રાતે 11.42 વાગ્યેઃ ડૉક્ટરની સલાહ મુજબ ઈજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ દ્વારા કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો. સુરક્ષા માટે આરપીએફ અને જીઆરપીના જવાનો પણ સાથે ગયા.
રાતે 11.52 વાગ્યેઃ એમ્બ્યુલન્સ ઘાયલ દર્દીને લઈને શતાબ્દી હોસ્પિટલ પહોંચી ગઈ. મધ્યરાતે એક મુંબઈ સેન્ટ્રલના એડીઆરએમ અને સીનિયર ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરે પોતે બોરીવલી સ્ટેશનની મુલાકાત લઈ સમગ્ર ઘટના અને રેલવેની કાર્યવાહીની સમીક્ષા કરી.
પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. ઉપલબ્ધ રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે તબીબી સહાય પૂરી પાડવામાં રેલવે તરફથી કોઈ પણ પ્રકારનો બિનજરૂરી વિલંબ થયો નથી. રેલવે સુરક્ષા દળોએ સ્ટેશન અને ટ્રેનની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ સુરક્ષિત કરીને તપાસ એજન્સીઓને સોંપી દીધા છે. અત્યારે આ મામલાની સઘન તપાસ સરકારી રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.