મુંબઈ: મુંબઈ સબર્બનની લોકલ ટ્રેનમાં પ્રવાસી યુવાનની ઘાતકી હત્યાની ઘટનાના પગલે ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા હવે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસમાં જીઆરપી દ્વારા સબર્બન વિભાગ પર પ્રવાસીઓની બેગની તપાસમાં કોઈ તીક્ષ્ણ હથિયારની હાજરી તો નથી તે ચકાસવામાં આવશે.
મળતી માહિતી અનુસાર એક 21 વર્ષના મયંક લોહાર નામના યુવકની મંગળવારે મોડી રાતના નજીવા વિવાદમાં હત્યા કરી હતી. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનનો દરવાજો બંધ કરવાની નજીવી બાબતે અન્ય સહ-પ્રવાસીએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હત્યા કરનારો રોશન સુવર્ણા પોતાની સાથે બેગમા છરો લઈને ફરી રહ્યો હતો. આ ઘટનાને લીધે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે હવે પોલીસ પ્રશાસન દ્વારા પ્રવાસીઓની બેગની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જીઆરપી અધિકારીના જણાવ્યા અનુસાર રેલવેના આ પ્રસ્તાવના પગલે મુંબઈ સેન્ટ્રલ અને સીએસએમટી જેવા મુખ્ય સ્ટેશનો પર સ્યુટકેસ અને ટ્રોલીબેગ જેવા સામાનની તપાસ માટે બેગેજ સ્કેનર અગાઉથી જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. પરંતુ વ્યવહારિક રીતે સબર્બન સ્ટેશનો પર નાની બેગ અને બેકપેકની તપાસ બેગેજ સ્કૅનરમાં કરવી શક્ય નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જીઆરપી પોલીસના જવાનો દ્વારા હવે નાની બેગો અને બેગપેકની મેન્યુઅલ તપાસને વધુ સઘન અને તીવ્ર કરવાની યોજના અંતર્ગત કોઈ પણ તીક્ષ્ણ હથિયાર અથવા તો પ્રતિબંધિત વસ્તુઓની હાજરી તો નથી ને તેની ખાસ ચકાસણી કરવામાં આવશે. જીઆરપીએ ગયા વર્ષે સામાનની ચકાસણી માટે રજૂ કરેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવશે, જેમાં આ સઘન તપાસ દરમિયાન ઉચ્ચ અધિકારીની હાજરીમાં તપાસ સર્વેલન્સ કેમેરાની રેન્જમાં કરવામાં આવશે.
રેલવે પોલીસ દ્વારા પ્રવાસીઓને સલામત મુસાફરી કરવા માટે સંબોધિત કરશે અને તેમને કોઈ પણ વર્ક ટૂલ સાથે ન રાખવાની અપીલ કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અગાઉ પણ થોડા મહિના અગાઉ પણ સહ-પ્રવાસી દ્વારા એક પ્રોફેસરની હત્યા કરવામાં આવી હતી, તેમાં પણ આરોપીએ પ્રોફેસરની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડભાડ અને ટ્રેનોની સેવાના વિલંબના લીધે કેટલીકવાર લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓ આવેશમાં આવીને આ વર્ક ટૂલ્સનો ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવામાં કરે છે.જેથી મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ તીક્ષ્ણ હથિયાર પોતાની સાથે રાખીને ટ્રેનોમાં મુસાફરી કરવી નહીં.