મુંબઈ: મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનના ટ્રેક તેમ જ સિગ્નલ સિસ્ટમ સહિત મહત્વના ટેકનિકલ મેઈન્ટેનસ વર્ક માટે દર રવિવારની જેમ આવતીકાલે એટલે કે 8મી માર્ચ, 2026ના રોજ પણ મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકની કારણે રવિવારે રજાના દિવસે પણ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાના છો તો તમારે આ સમાચાર જાણી લેવા જોઈએ. છે.
મધ્ય રેલવે પર આવતીકાલે માટુંગા-મુલુંડ વચ્ચે સવારે 11 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી અપ ડાઉન ફાસ્ટ લાઈન પર બ્લોક હાથ ધરાશે. બ્લોકના સમયગાળા દરમિયાન માટુંગા અને મુલુંડ વચ્ચે અપ ડાઉન ફાસ્ટ લોકલ ટ્રેનો અપ ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. આના કારણે ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતા 15થી 20 મિનિટ મોડી દોડશે.
હાર્બર લાઈન પર કુર્લા-વાશી વચ્ચે અપ ડાઉન લાઈન પર સવારે 11 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી -પનવેલ, બેલાપુર અને વાશી વચ્ચે અપ ડાઉન લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ રહેશે. જોકે રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે સીએસએમટી-કુર્લા વચ્ચે અને વાશી-પનવેલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેની વાત કરીએ તો આવતીકાલે પશ્ચિમ રેલવે પર દિવસ દરમિયાન કોઈ બ્લોક હાથ નહીં ધરવામાં આવે જેને કારણે રવિવારે પશ્ચિમ રેલવે પર ટ્રેનો નિયમિત સમયપત્રક મુજબ ચાલશે. પરંતુ પશ્ચિમ રેલવે પર શનિવારે મધરાતે 1 વાગ્યાથી લઈને વહેલી સવારે 4.30 વાગ્યા સુધી માહિમ- સાંતાક્રુઝ વચ્ચે અપ ડાઉન સ્લો લાઈન પર સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકને કારણે મુંબઈ સેન્ટ્રલથી સાંતાક્રુઝ વચ્ચે અપ ડાઉન સ્લો લોકલ અપ ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. દરમિયાન માહિમ, ખાર અને લોઅર પરેલ સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઈ ઓછી હોવાને કારણે ડબલ હોલ્ટ લેશે.
રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શક્ય હોય તો બિનજરૂરી પ્રવાસ ટાળે અથવા વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરે. મેગા બ્લોકને કારણે સ્ટેશનો પર ભીડ વધી શકે છે, તેથી પ્રવાસ માટે વધારાનો સમય હાથમાં રાખીને નીકળવું હિતાવહ છે એવી ભલામણ પણ રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.