Thu Jun 25 2026

Logo

Mumbai Local Stabbing: મદદ કરવા નહીં, વીડિયો બનાવવા હાથ ઉપડ્યા! લોકલ ટ્રેનમાં મયંકની હત્યાએ આપણી 'માણસાઈ' પર માર્યો તમાચો

2026-06-25 09:48:00
Author: Darshana Visaria
Article Image

Ai Image


દરરોજ લાખો લોકોને પોતાની પાંખોમાં સમાવીને દોડતી મુંબઈની લોકલ ટ્રેન, જેને મુંબઈની 'લાઈફલાઈન' કહેવામાં આવે છે, તે હકીકતમાં હવે કેટલી 'લાઈફલેસ' થઈ ગઈ છે તેનો કમકમાટીભર્યો પુરાવો 22 વર્ષના મયંક લોહારની હત્યાએ આપ્યો છે. વરસાદની એક સાંજે, માત્ર ટ્રેનનો દરવાજો બંધ કરવા જેવી સામાન્ય બાબતે એક ઉન્માદી યુવક ચપ્પુ કાઢે છે અને આખી બોગી વચ્ચે એક નિર્દોષ યુવાન પર ઉપરાઉપરી ઘા ઝીંકી દે છે. કોચમાં મુસાફરી કરી રહેલાં લોકો પણ મદદ કરવાને બદલે વીડિયો ઉતારી રહ્યા અને ઘટનાને મૂક સાક્ષી બનીને જોઈ રહ્યા.

પણ એથી ય વધુ આઘાતજનક અને શરમજનક બાબત એ છે કે, જ્યારે મયંક લોહીલુહાણ થઈને જિંદગીની છેલ્લી શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે આખી બોગીમાં ચીસાચીસ કરવા સિવાય કોઈનો હાથ એ હત્યારાને રોકવા માટે કેમ ન ઊપડ્યો? ક્યાં ગઈ આપણી સંવેદના?

આ તે કેવી માનસિકતા? 
આપણે કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરી રહ્યા છે કે એનો ભાગ છીએ કે જ્યાં કોઈનો જીવ જતો હોય ત્યારે આપણો પહેલો હાથ ખિસ્સામાં જાય છે મદદ કરવા માટે નહીં, પણ મોબાઈલ કાઢીને વીડિયો શૂટ કરવા માટે! ટ્રેનના ડબ્બામાં દસ-વીસ નહીં, સેંકડો પ્રવાસીઓ હતા. જો ચાર જણાએ પણ હિંમત કરીને હત્યારાનો હાથ પકડી લીધો હોત, તો કદાચ આજે એક માનો દીકરો જીવતો હોત. પણ ના, આપણે તો 'પરોપજીવી' બની ગયા છીએ. આપણને સ્ક્રીન પાછળ છુપાઈને લાઈવ મર્ડર જોવામાં રસ છે, કોઈની વહારે જવામાં નહીં.

શું આપણા લોહીનું પાણી થઈ ગયું છે? શું સોશિયલ મીડિયા પર વ્યુઝ મેળવવાની લ્હાય એટલી હદે વધી ગઈ છે કે પ્લેટફોર્મ પર કે ટ્રેનની ફ્લોર પર વહી રહેલું લાલ ચટક લોહી આપણને વિચલિત પણ નથી કરતું? આ આક્રોશ માત્ર હત્યારા સામે નથી, આ આક્રોશ એ કાયર ભીડ સામે પણ છે જેણે મયંકને મરવા માટે એકલો છોડી દીધો.

ક્યાં છે 'મુંબઈ સ્પિરિટ'?
જ્યારે પણ મુંબઈ પર સંકટ આવે, પૂર આવે કે આતંકી હુમલો થાય, ત્યારે નેતાઓથી લઈને સોશિયલ મીડિયાના પ્રભાવકો સુધીના બધા જ લોકો એક ખોખલો શબ્દ વહેતો મૂકે છે મુંબઈ સ્પિરિટ પણ સવાલ એ થાય છે કે- 

શું આ 'મુંબઈ સ્પિરિટ' માત્ર કાળી મજૂરી કરીને બીજા દિવસે ફરી ટ્રેનમાં ઘેટા-બકરાની જેમ ભરાઈ જવા પૂરતો જ મર્યાદિત છે?
શું આ સ્પિરિટ સ્વાર્થનો પર્યાય બની ગયો છે કે 'મારો જીવ બચ્યો એટલે વાર્તા પૂરી'?
તમારી નજર સામે એક 22 વર્ષનો ફાઇનાન્સ માર્કેટિંગ ભણેલો, પોતાના પરિવારનો સહારો એવો યુવાન તડપી તડપીને મરી જાય અને તમે મુંબઈ સ્પિરિટના નામે મૌન સેવી લો, એ ક્યાંનો ન્યાય છે?

જાગો, નહિતર કાલે આપણો પણ વારો છે
આજે મયંક લોહાર હતો, કાલે આપણામાંથી કોઈ એક હશે. જો આજે આપણે આ અમાનવીય ઉદાસીનતા સામે અવાજ નહીં ઉઠાવીએ, તો યાદ રાખજો કે કાલે જ્યારે આપણા પર આફત આવશે ત્યારે આપણી આસપાસની ભીડ પણ આપણો વીડિયો જ બનાવતી હશે, કોઈ મદદ માટે આગળ નહીં આવે.
આ ઘટના મુંબઈની લોકલ ટ્રેનની સુરક્ષા પર તો સવાલ ઉઠાવે જ છે, પણ એથીય મોટો સવાલ આપણા 'માણસ' હોવા પર ઉઠાવે છે. હવે સમય આવી ગયો છે કે આપણે સોશિયલ મીડિયાની આભાસી દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિક દુનિયામાં એકબીજાના માણસ બનીએ. નહિતર, આવી ભીડ કરતાં તો એકાંત સારું, જ્યાં અપેક્ષા તો ન હોય!