Thu May 07 2026

Logo

કાંજુરમાર્ગ- બદલાપુર મેટ્રો પ્રોજેક્ટ ફરી પાટે ચઢશે, MMRDAએ DPR માટે ટેન્ડર મંગાવ્યા

2026-04-14 21:28:06
Author: Mumbai Samachar Team
Article Image

કાંજુરમાર્ગથી બદલાપુર વચ્ચે દોડશે સૌથી લાંબો મેટ્રો રૂટ, લાખો મુસાફરોને મળશે મોટી રાહત

મુંબઈ/થાણે: હાલ મુંબઈમાં મેટ્રો નેટવર્કનું ઝડપથી વિસ્તરણ થઇ રહ્યું છે, એમાં વધુ એકનો ઉમેરો થઈ શકે છે. કાંજુરમાર્ગ-બદલાપુર મેટ્રોની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. કાંજુરમાર્ગ-બદલાપુર મેટ્રો પ્રોજેક્ટ માટે એક નિષ્ણાત સલાહકારની નિમણૂક કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ મુંબઈ અને બદલાપુર વચ્ચે સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ આ માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી છે.  

આ "મેગા-મુંબઈ" ક્ષેત્રનો સૌથી લાંબો મેટ્રો રૂટ હશે. આ મેટ્રો લાઇન માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ પહેલા પણ  તૈયાર કરવામાં આવ્યો હતો . હવે, તે રિપોર્ટની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. બજેટ નક્કી કરવામાં આવશે અને સર્વેક્ષણો હાથ ધરવામાં આવશે. આ એકમાત્ર મેટ્રો કોરિડોર છે જે મુંબઈ, થાણે અને નવી મુંબઈના વિવિધ મેટ્રો પ્રોજેક્ટ્સને જોડવા માટે રચાયેલ છે.

હાલમાં મેટ્રો લાઇન 5 (થાણે-ભિવંડી-કલ્યાણ) અને મેટ્રો લાઇન 12 (કલ્યાણ-તળોગા) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. મેટ્રો લાઇન 14થી કલ્યાણથી આગળ રહેતા મુસાફરોને લાભ થવાની અપેક્ષા છે. આ મેટ્રો લાઇન (કાંજુરમાર્ગ- બદલાપુર)ના બાંધકામને ઝડપી બનાવવા માટે MMRDA એ પ્રોજેક્ટ રિપોર્ટની સમીક્ષા માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે.

અગાઉ 2019માં MMRDAએ આ જ હેતુ માટે મેસર્સ મેટ્રો મિલાનો કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક કરી હતી.  સલાહકારોએ MMRDA ને ફિઝિબિલિટી રિપોર્ટ સુપરત કર્યો હતો. MMRDA એ આ રિપોર્ટ IIT બોમ્બેને સમીક્ષા માટે સુપરત કર્યો હતો. 
IIT બોમ્બેએ રિપોર્ટ પર પોતાની ટિપ્પણીઓ અને પ્રતિભાવ આપ્યા હતા. જોકે, MMRDAએ ડિસેમ્બર 2025 માં કન્સલ્ટન્સી કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો, પરિણામે પ્રોજેક્ટ રિપોર્ટની હવે નવેસરથી સમીક્ષા કરવામાં આવશે.  

આ પ્રોજેક્ટથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતા બદલાપુર વિસ્તારમાં રહેતા લાખો મુસાફરોને ફાયદો થશે. હાલમાં, મુંબઈ પહોંચવા માટે ઉપનગરીય રેલવે નેટવર્ક સિવાય અન્ય કોઈ પરિવહન વિકલ્પો ઉપલબ્ધ નથી. 
આ મેટ્રો લાઇન શરુ થવાથી આ વિસ્તારના રહેવાસીઓને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે. પરિણામે, MMRDA વહીવટીતંત્ર આ પ્રોજેક્ટને ઝડપી બનાવવા અને તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા પ્રયત્ન કરી રહ્યું છે.

મેટ્રો રૂટ વિષે જાણકારી

. કાંજુરમાર્ગથી જુવેલી ગામ, બદલાપુર
. કુલ રૂટ લંબાઈ: 43.69 કિમી
. સ્ટેશનની સંખ્યા: 24 (કાંજુરમાર્ગ ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશન સહિત)
. મેટ્રોનો પ્રકાર: છ કોચવાળી ટ્રેન
. મહત્તમ ગતિ: 90 કિમી/કલાક