Tue Sep 01 2026

Logo

શું મુંબઈ ઇન્ડિયન્સે કન્કશન સબસ્ટિટ્યુટ નિયમનો દુરુપયોગ કર્યો? વિવાદ અંગે કોચે આપ્યો જવાબ

2026-04-24 13:08:00
Author: Savan Zalariya
શું મુંબઈ ઇન્ડિયન્સે કન્કશન સબસ્ટિટ્યુટ નિયમનો દુરુપયોગ કર્યો? વિવાદ અંગે કોચે આપ્યો જવાબ

મુંબઈ: ગઈ કાલે વાનખેડે સ્ટેડીયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની 103 રનથી કારમી હાર થઇ, આ સિઝનમાં MIનો આ 5મો પરાજય હતો. આ મેચ દરમિયાન MIએ કોન્કશન સબસ્ટિટ્યુટ નિયમનો દુરુપયોગ કર્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. MI ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઇજાગ્રસ્ત થતા કોન્કશન સબસ્ટિટ્યુટ નિયમ હેઠળ શાર્દુલ ઠાકુરને રમતમાં લાવવામાં આવ્યો હતો. આ સબસ્ટિટ્યુટને કારણે વિવાદ સર્જાયો છે.

MIના જસપ્રીત બુમરાહની ઓવરમાં CSKના બેટર કાર્તિક શર્માએ ફટકારેલા બોલને કેચ કરવાના પ્રયાસમાં  ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનરને ખભામાં ઈજા થઈ હતી. સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર સેન્ટનર ખભા પર હાથ રાખીને ઉભો રહી ગયો, તપાસ બાદ તેને મેદાનની બહાર લઇ જવામાં આવ્યો. ટૂંક સમયમાં, MI એ તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને રમવા માટે ઔપચારિક વિનંતી કરી, આ વિનંતી સ્વીકારવામાં આવી.

નિયમોના દુરુપયોગનો આરોપ:
હવે MI પર કન્કશન સબસ્ટિટ્યુટ નિયમના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે. શાર્દુલને સેન્ટનરને  સમાન ખેલાડી ગણી શકાય કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

 આ ઉપરાંત IPLના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમો હેઠળ કોઈ ખેલાડીને માથા કે ગરદનમાં ઈજા થાય તો જ કન્કશન સબસ્ટિટ્યુટ વાપરવાની મંજૂરી આપવામાં આવે છે. ઈજાની તબીબી તપાસ બાદ મેચ રેફરી કન્કશન સબસ્ટિટ્યુટને મંજુરી આપી શકે છે. 

ગઈ કાલે સેન્ટનરને ખભામાં ઈજા થઇ હતી હતી, જ્યારે ન્યુરોલોજીકલ લક્ષણોના આધારે કન્કશન સબસ્ટિટ્યુટની વિનંતી કરવામાં આવી હતી, જેને મંજુર પણ કરવામાં આવી. મેચના અંતે સેન્ટનર MIના  ડ્રેસિંગ રૂમમાં બેસીને ખભા પર બરફ લગાવતો પણ જોવા મળ્યો હતો.

કોચે કરી સ્પષ્ટતા:

સોશિયલ મીડિયા પર નિયમના દુરુપયોગ અંગે ચર્ચા શરુ થઇ હતી, મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં MIના હેડ કોચ મહેલા જયવર્ધને કન્કશન સબસ્ટિટ્યુટ વિવાદ અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા. તેમણે કહ્યું કે કેચ પકડતી વખતે સેન્ટનરની ગરદન અને ખભા બંનેમાં ઈજા થઈ હતી. જયવર્ધનેએ કહ્યું. "પહેલા તેનું માથું અથડાયું હતું અને ગરદન પર પર પણ વાગ્યું હતું.”