Tue May 05 2026

Logo

સાવધાન! PMની નકલી સહીવાળો પત્ર બતાવી 4 લાખની ખંડણી માંગનારા બે 'નકલી પત્રકાર' ઝડપાયા!

2026-04-06 10:37:00
Author: Devayat khatana
Article Image

મુંબઈ:  ભારતમાં નકલી વસ્તુ, અધિકારી બાદ હવે વડાપ્રધાનના નામ અને નકલી સહીવાળા પત્રનો ઉપયોગ કરીને ખંડણી વસૂલવાના એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સ્ટોર્શન સેલ (AEC) એ આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી એક સામાજિક કાર્યકરને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ PMOમાંથી જન્મદિવસનો ખાસ શુભેચ્છા પત્ર અપાવવાની લાલચ આપી તેમની પાસેથી ચાર લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે આરોપીઓ તૌસીફ પટેલ અને સિદ્ધિનાથ પાંડે ઉર્ફે સુનીલ ગોરેગાંવ વિસ્તારના રહેવાસી છે. આરોપીઓએ માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એનજીઓ ચલાવતા એક સામાજિક કાર્યકરનો સંપર્ક કર્યો હતો. સામાજિક કાર્યકર ગરીબ બાળકોના શિક્ષણ અને અનાથાશ્રમ માટે કામ કરતા હોવાથી, આરોપીઓએ તેમને વડાપ્રધાનના નકલી હસ્તાક્ષરવાળો શુભેચ્છા પત્ર વોટ્સએપ પર મોકલી આપ્યો હતો, જેથી પીડિતનો ભરોસો જીતી શકાય.

શરૂઆતમાં પીડિત આ જાળમાં ફસાઈ ગયા હતા અને તેમણે આ પત્ર સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો. જોકે, મિત્રોએ પત્રની સત્યતા પર શંકા વ્યક્ત કરતા તેમણે પોસ્ટ હટાવી દીધી હતી. આ દરમિયાન આરોપીઓએ અસલી ખેલ શરૂ કર્યો અને પત્રના બદલામાં 4 લાખ રૂપિયાની માંગણી કરી સતત કોલ, મેસેજ અને વોઈસ નોટ દ્વારા દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. વારંવાર આવતી ધમકીઓથી પરેશાન થઈને અંતે સામાજિક કાર્યકરે વરલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

આ કેસની ગંભીરતાને જોતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. એન્ટી એક્સ્ટોર્શન સેલની ટીમે આરોપીઓને પકડવા માટે પદ્ધતિસરની જાળ બિછાવી હતી. યોજના મુજબ, જેવી આરોપીઓની ટોળકી વરલી વિસ્તારમાં પૈસા લેવા માટે પહોંચી, પોલીસે તુરંત જ તૌસીફ અને સિદ્ધિનાથને રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ શખ્સોએ અગાઉ પણ પત્રકાર બનીને વડાપ્રધાનના નામે અન્ય કોઈની સાથે આવી છેતરપિંડી કરી છે કે કેમ.