મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. મુંબઈની ગરમી અને ભીડથી પરેશાન થતા મુસાફરોની સફરને વધુ આરામદાયક બનાવવા માટે રેલવે પ્રશાસન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ અને તેની આગળના રૂટ પર વધુ 12 નવી એસી લોકલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે કુલ 12 નવી એસી લોકલ ટ્રેન સર્વિસ શરૂ કરાશે. આ નવી ટ્રેનો મુખ્યત્વે સીએસએમટીથી કલ્યાણ, ડોમ્બિવલી, થાણે અને ટિટવાલા, આસનગાંવ રૂટ પર દોડશે. ઓફિસના પીક-અવર્સ દરમિયાન મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ વધારા સાથે સેન્ટ્રલ રેલવે પર દોડતી કુલ એસી લોકલ ટ્રેનોની સંખ્યામાં મોટો વધારો થશે.
મધ્ય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટાઈમટેબલ પ્રમાણે આ 12 નવી એસી સેવાઓ મુસાફરોની સૌથી વધુ ભીડ ધરાવતા સ્ટેશનોને કવર કરશે, જેમ કે-
સીએસએમટી- કલ્યાણ: ફાસ્ટ અને સ્લો રૂટ પર નવી એસી ટ્રેનો દોડશે.
સીએસએમટી- ડોમ્બિવલી: ડોમ્બિવલીના પ્રવાસીઓ માટે ઓફિસ સમય દરમિયાન વિશેષ સર્વિસ ઉમેરાશે.
સીએસએમટી-થાણે: થાણે સુધીની ટૂંકા અંતરની એસી લોકલમાં પણ વધારો કરાયો છે.
ટિટવાલા અને આસનગાંવ: કલ્યાણની આગળ જતા પ્રવાસીઓની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને આ રૂટ પર પણ એસી સર્વિસ લંબાવવામાં આવી છે.
મુંબઈમાં ઉનાળો અને અસહ્ય ભેજવાળા વાતાવરણને કારણે છેલ્લા કેટલાક સમયથી એસી લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. સવારના અને સાંજના ઓફિસ જવા-આવવાના સમયે ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નવી ૧૨ સર્વિસમાંથી મોટાભાગની ટ્રેનો સવારે 8થી 11 અને સાંજે પાંચથી આઠ વાગ્યા વચ્ચે ધસારાના સમયે દોડાવવામાં આવશે. જેના કારણે ફર્સ્ટ ક્લાસ અને રેગ્યુલર પ્રવાસીઓ પણ હવે એસી લોકલમાં પ્રવાસ કરવાનું પસંદ કરશે તેમ જ પ્લેટફોર્મ પર થતી ભીડમાં પણ ઘટાડો થશે.
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલની એસી લોકલના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રવાસીઓ યુટીએસ કે પછી સ્ટેશન વિન્ડો પરથી રેગ્યુલર ટિકિટ અને સીઝનલ પાસ ખરીદીને આ સુવિધાનો લાભ લઈ શકશે. આ નવી ટ્રેનો શરૂ થવાથી મુંબઈગરાનો રોજિંદો પ્રવાસ માત્ર આરામદાયક જ નહીં, પરંતુ ઘણો ઝડપી પણ બનશે.