Mon Aug 17 2026

Logo

મુંબઈગરાઓનો પાણીકાપ યથાવત્, પણ...

2026-08-12 20:57:31
Author: Yogesh C. Patel
Article Image

મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલ્સ રવિવારથી ફરી શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈગરાઓને કરવામાં આવતા પાણીપુરવઠામાં દસ ટકા કાપ યથાવત્ રાખીને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પૂલ્સ રવિવારથી ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સ્વિમિંગ પૂલમાંના પાણીની ગુણવત્તા તપાસવા સાથે સંચાલકો અને લાઈફ ગાર્ડ્સ નિયુક્ત કરવાના નિર્દેશ મહાપાલિકા પ્રશાસને આપ્યા છે.

મહાપાલિકા પ્રશાસને 16 ઑગસ્ટથી સવાર અથવા સાંજે સ્વિમિંગ પૂલની સુવિધા શરૂ કરવાના નિર્દેશ આપી આ અંગે સર્ક્યુલર બહાર પાડ્યો છે. આદેશમાં જણાવાયું છે કે મુંબઈ મહાનગરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોની પાણીની સ્થિતિ જોતાં પાલિકા પ્રશાસને મુંબઈનાં સ્વિમિંગ પૂલ્સનો પાણીપુરવઠો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે સંબંધિત વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરોનો સંપર્ક સાધીને સ્વિમિંગ પૂલ્સનું પાણીનું કનેક્શન ફરી તાત્કાલિક ધોરણે પૂર્વવત્ કરવાનું કહેવામાં આવ્યું છે. એ સિવાય સ્વિમિંગ પૂલના સંચાલક અને લાઈફ ગાર્ડ્સની સુવિધા ઉપલબ્ધ કરાવીને આ સુવિધા નિયમિત રૂપે શરૂ કરવાના નિર્દેશ અપાયા છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં બુધવારની સવારે 12,95,274 મિલિયન લિટર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું નોંધાયું હતું. આ જથ્થો પૂર્ણ પુરવઠાની સામે આશરે 89.49 ટકા જેટલો છે. જળાશયોમાં આટલું પાણી હોવા છતાં પાલિકા દ્વારા 10 ટકા પાણીકાપ ઉઠાવાયો નથી, પરંતુ સ્વિમિંગ પૂલ્સને પાણી પૂરું પાડવાનો નિર્ણય લેવાયો છે.

પાલિકાએ આપેલા નિર્દેશ અનુસાર સ્વિમિંગ પૂલ શરૂ કરતાં પૂર્વે પાણીની ગુણવત્તા ચકાસી લેવી. પાણી શુદ્ધીકરણની યંત્રણા શરૂ કરીને સ્વિમિંગ માટે પાણી યોગ્ય હોવાની ખાતરી કરવી. સ્વિમિંગ માટેના પાણીની તપાસણી મહાપાલિકા લૅબોરેટરીમાં કરીને વિશ્ર્લેષક પાસેથી સર્ટિફિકેટ મેળવવું. આ બધી બાબતો શનિવાર સુધીમાં પૂરી કર્યા પછી રવિવારથી સ્વિમિંગ પૂલ્સ નાગરિકો માટે શરૂ કરવાની સૂચના પ્રશાસને આપી છે.