(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના કાફલામાં ઘટતી બસની સંખ્યાને પગલે રસ્તા પર ઓછી બસો દોડી રહી છે. તેથી અનેક રૂટ પર બસની સંખ્યા ઘટી ગઈ હોવાથી બસમાં ભારે ભીડ થતી હોવાની ફરિયાદ થઈ રહી છે ત્યારે બેસ્ટ ઉપક્રમે મુંબઈગરાની સેવા માટે ૨૦૦ વધુ મિડી સીએનજી નોન એસી બસ સેવામાં દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે બેસ્ટ ઉપક્રમે ટેન્ડર બહાર પાડ્યું છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ રસ્તા પર ઓછી દોડતી બસને કારણે સવાર-સાંજના પીક અવર્સમાં તથા ટૂંકા અંતરના રૂટ પર બસ સર્વિસની સંખ્યા ઘટી ગઈ છે. તેથી બસ માટે લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે અને બસમાં ભારે ભીડ પણ થતી હોય છે. તેથી બેસ્ટ ઉપક્રમ વધુ ૨૦૦ મિડી બસ લેવાની છે. આ બસ ગ્રોસ કૉસ્ટ કૉન્ટ્રેક્ટ (જીસીસી) મૉડલ પર હોઈ બસ ડ્રાઈવર અને બસ કંડકટર કૉન્ટ્રાક્ટરની માલિકીની હશે.
આ બસ મુંબઈ શહેર અને ઉપનગરોમાં વડાલા, મલાડ, મરોલ અને વિક્રોલીમાં દોડાવવામાં આવશે. આ વધારાની બસથી ભીડભાડવાળા રૂટ પર મુસાફરી વધુ સુવિધાજનક બનશે તેવી અપેક્ષા છે.
બહાર પાડવામાં આવેલા ટેન્ડર મુજબ કૉન્ટ્રેક્ટની મુદત ૧૦ વર્ષની આસપાસ રાખવામાં આવી છે. ટેન્ડર ખોલવાની અંતિમ તારીખ ૨૭મી ઓગસ્ટ છે. આ નિર્ણયથી બેસ્ટના કાફલામાં વધુ બસ ઉમેરાશે. રસપ્રદ વાત એ છે કે બેસ્ટ કમિટીએ ગયા મહિને ૧,૫૦૦ મિડી કૉન્ટ્રેક્ટ એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.