Mon Jun 08 2026

Logo

મુંબઈને મળશે સૌથી પહેલી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ, જાણો કયા રૂટ પર દોડાવાશે અને કેટલો સમય લાગશે?

2026-04-14 15:12:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈ અને બેંગલુરુ વચ્ચે એક નવી વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવાની મંજૂરી મળી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્ર સરકારનો પણ આભાર માન્યો છે, ત્યારે આ ટ્રેન વંદે ભારત સ્લીપર ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને કેએસઆર બેંગલુરુ વચ્ચે દોડાવવામાં આવશે.

વંદે ભારત ટ્રેનની શરૂઆત થઇ ત્યારથી તે આરામદાયક મુસાફરી અને સમયની બચત માટે પ્રવાસીઓમાં લોકપ્રિય થઇ છે. તેનાથી આગળવધીને વંદે ભારત સ્લીપર ટ્રેન શરુ કરવાની જાહેરાત થઇ ત્યારથી લોકો મુંબઈથી વંદે ભારત સ્લીપર ટ્રેન શરુ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. હવે, આ આતુરતાનો અંત આવી રહ્યો છે.
 
દેશની આર્થિક રાજધાની મુંબઈ અને આઈટી શહેર બેંગલુરુ વચ્ચે મુસાફરી હવે સરળ અને આરામદાયક બનવા જઈ રહી છે. વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી બેંગલુરુ રૂટ પર દોડશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ રાજ્યની પહેલી સ્લીપર વંદે ભારત હશે. તાજેતરમાં જ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટ્રેનને મંજૂરી આપી છે. તે 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

દેશના બે મહત્વપૂર્ણ શહેરો, મુંબઈ-બેંગલુરુ રૂટ પર લોકપ્રિય ટ્રેન ઉદ્યાન એક્સપ્રેસ છે. આ ટ્રેનને આ અંતર કાપવામાં 22થી 23 કલાકનો સમય લાગે છે, પણ ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત સ્લીપર આ અંતર 13થી પંદર કલાકમાં કાપી શકશે. ઉદ્યાન એક્સપ્રેસમાં 22થી 24 કલાક લાગે છે, પરંતુ નવી ટ્રેનથી વધુ ઝડપથી પહોંચી શકાશે. આ ટ્રેનના સંભવિત રુટ પર દોડાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. હાલના તબક્કે પુણે, સોલાપુર, કાલબુર્ગી અને વાડી વચ્ચે ટ્રેન દોડાવવામાં આવે છે. ખાસ કરીને કાલબુર્ગી રુટ સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે, કારણ કે અહીં 1,126 કિલોમીટરનો કોરિડોર નાનો અને સંપૂર્ણ ઈલેક્ટ્રિક છે.
 
મુંબઈથી બેંગલુરુ સુધી દોડતી અન્ય ટ્રેનોમાં ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ, દાદર-પોંડીચેરી એક્સપ્રેસ, એલટીટી-કોઈમ્બતુર એક્સપ્રેસ અને દાદર-તિરુનલવેલી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આમાંથી, મુંબઈ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ સૌથી ઝડપી છે, જે બેંગલુરુનું અંતર 18 કલાક 44 મિનિટમાં કાપે છે. પરંતુ હવે વંદે ભારત સ્લીપર ટ્રેન આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન હશે.

મુંબઈ અને બેંગલુરુ વચ્ચે મુસાફરોની સંખ્યા વધુ છે. તેથી, મુંબઈથી બેંગલુરુ બંને દિશામાં બે વંદે ભારત એક્સપ્રેસ દોડવાની શક્યતા છે. આ માટેનું સમયપત્રક હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, સ્લીપર ટ્રેન હોવાથી, આ ટ્રેન રાત્રે દોડવાની શક્યતા છે. આનાથી આઇટી ક્ષેત્રના કર્મચારીઓ, વ્યાવસાયિકો અને મુસાફરોને પણ ફાયદો થશે. ટ્રેનમાં 16 કોચ હશે. આ ટ્રેનમાં 823 મુસાફરોની ક્ષમતા હશે. ટ્રેન એકદમ આધુનિક છે, જ્યારે 16 એસી કોચ છે, જેમાં 11 એસી થ્રી ટિયર કોચ, ચાર એસી ટૂ ટિયર અને એક ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, દેશની પહેલી સ્લીપર વંદે ભારત કામાખ્યાથી હાવડા રૂટ પર દોડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2026માં આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન પશ્ચિમ બંગાળ અને આસામને ડાયરેક્ટ કનેક્ટ કરે છે.