મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા પથરાળ દરિયાકાંઠે તણાઈ આવેલા એક વિશાળકાય 'હમ્પબેક બ્લુ વ્હેલ'ના 26 ફૂટ લાંબા બચ્ચાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વન વિભાગ, સ્થાનિક પ્રશાસન અને વન્યજીવ તબીબોની ભારે જહેમત અને કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન છતાં આ માસૂમ દરિયાઈ જીવને બચાવી શકાયો નથી. સત્તાવાર અધિકારીઓએ રવિવારે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરી છે.

મળતી માહિતી મુજબ, શનિવારે વહેલી સવારે બાંદ્રાના પથરાળ કિનારા પર આ બ્લુ વ્હેલનું બચ્ચું દરિયાના જોરદાર મોજાં સાથે તણાઈ આવ્યું હતું અને પથ્થરોની વચ્ચે ફસાઈ ગયું હતું. તે જીવતું હોવાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ, મુંબઈ મહાનગરપાલિકાની ટીમ અને વન્યજીવ નિષ્ણાતો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ભારે ઓટ અને પથરાળ કિનારો હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે અવરોધો ઊભા થયા હતા. વ્હેલના બચ્ચાને ફરીથી ઊંડા પાણીમાં મોકલવા માટે અને તેનો જીવ બચાવવા માટે મેડિકલ ટીમ અને પ્રશાસને તબક્કાવાર પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને આખરે વ્હેલના બચ્ચાનું મૃત્યુ થયું હતું.
આ મામલે વન વિભાગના એક ઉચ્ચ અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દરિયાકાંઠે તણાઈ આવેલા આ હમ્પબેક બ્લુ વ્હેલના બચ્ચાની લંબાઈ આશરે ૨૬ ફૂટ જેટલી અંદાજવામાં આવી હતી. આટલી નાની ઉંમરનું વ્હેલનું બચ્ચું દરિયાકાંઠે કેવી રીતે પહોંચ્યું અને તેના મોત પાછળ ચોક્કસ કયા કારણો જવાબદાર છે, તે જાણવા માટે વન વિભાગ અને પશુચિકિત્સકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નિષ્ણાતોના મતે, કેટલીકવાર સમુદ્રમાં મોટા જહાજો સાથે અથડાવાને કારણે, આંતરિક બીમારી અથવા દરિયાના જોરદાર કરંટમાં પોતાની માતાથી છૂટા પડી જવાને કારણે આ દરિયાઈ જીવો કિનારા તરફ ખેંચાઈ આવતા હોય છે. આ ઘટનાને પગલે પર્યાવરણવિદો અને દરિયાઈ જીવ સૃષ્ટિના પ્રેમીઓમાં ભારે લોકલાગણી અને દુઃખ વ્યાપી ગયું છે.