પાલઘર: પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર ઇલેક્ટ્રોનિક સામાન લઇ જતી ટ્રકમાં આગ લાગી હતી, જેને કારણે નવ કરોડ રૂપિયાનો સામાન સળગી ગયો હતો, એમ અગ્નિશમન દળના અધિકારીએ જણાવ્યું હતું.
વસઇ નજીક હાઇવે પર મંગળવારે રાતના 9.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં કોઇને ઇજા થઇ નહોતી, પરંતુ તેને કારણે હાઇવે પર બે કલાક સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.
ટ્રક સામાન લઇને અમદાવાદ તરફ જઇ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી, એમ વસઇ-વિરાર પાલિકાના ફાયર સર્વિસના અધિકારીએ કહ્યું હતું. દરમિયાન આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ફાયર એન્જિન અને વોટર ટેન્કર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ જવાનો આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ડ્રાઇવર અને ક્લીનર ટ્રકમાં ઊતરી ગયા હતા અને કોઇને પણ ઇજા થઇ નહોતી. આગમાં નવ કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રોનિક સામાન સળગીને ખાક થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
આ ઘટનાને કારણે હાઇવે પર બે કલાકથી વધુ સમય સુધી વાહનોની અવરજવર પર અસર થઇ હતી. સળગી ગયેલી ટ્રકને માર્ગ પરથી હટાવવામાં આવ્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)